ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડતા હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ભારતીય સીમા સુરક્ષા દળ (BSF)એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે સુરક્ષા કડક કરી છે. BSF સરહદી વિસ્તાર પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેના કારણે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની સરકાર પરેશાન થઈ ગઈ છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને બોલાવીને સરહદ પર ભારતની ગતિવિધિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં હાજર બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નુરુલ ઈસ્લામને પણ સમન્સ પાઠવ્યા છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ લગાવવાના મુદ્દે બાંગ્લાદેશની વચગાળાની સરકાર તરફથી સહકારના અભાવે ભારતે નવી દિલ્હીમાં ટોચના બાંગ્લાદેશી રાજદ્વારીને બોલાવ્યા છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને સરહદમાં ઘૂસતા રોકવા માટે ભારતે સરહદ પર વાડ લગાવવાનું શરૂ કરી દીધું છે. આનાથી બાંગ્લાદેશ ચોંકી ઉઠ્યું છે. ઢાકામાં બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન સાથે ભારતીય હાઈ કમિશનરની મુલાકાત આ મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા ચર્ચા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.


