2030 સુધી ભારત ગ્રીન એનર્જીમાં 500 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરશે: રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં પિયુષ ગોયલ
સૌર ઉર્જામાં 2014 બાદ ઐતિહાસિક વૃદ્ધિ, રૂફટોપ સોલાર અને પી.એમ. કુસુમ યોજનાથી આત્મનિર્ભરતા તરફ દેશ આગળ વધ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં યોજાઈ રહેલી રીજનલ વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલએ હાજરી આપી હતી. સમિટને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારત આગામી વર્ષ 2030 સુધીમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે 500 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે, જેના પરિણામે દેશને સસ્તી અને સ્વચ્છ વીજળી ઉપલબ્ધ થશે.
પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળ્યા બાદ સૌર ઉર્જા ક્ષેત્રે દ્રઢ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ નીતિઓ અમલમાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ મોદીએ સૌર ઉર્જાને મહત્વ આપ્યું હતું, જોકે તે સમયે તેમના કેટલાક નિર્ણયોની ટીકા પણ થઈ હતી. તેમ છતાં સમય જતા તેમની દ્રષ્ટિ સાચી સાબિત થઈ છે.
તેમણે કહ્યું હતું કે, સૌર ઉર્જામાં એક વખત કરેલું રોકાણ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન 2030 સુધીમાં 20 મેગાવોટ સોલાર એનર્જીનું લક્ષ્ય નક્કી કરાયું હતું, જેને વડાપ્રધાન મોદીએ વધારીને 100 મેગાવોટ કર્યું અને તેની સમયમર્યાદા 2030ના બદલે 2022 સુધી લાવવામાં આવી.
મોદી સરકારના સમયમાં સોલાર એનર્જી ક્ષેત્રે રિવર્સ ઓક્શન જેવી નવી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો. રૂફટોપ સોલાર યોજનાથી ઘરોની છત પર સોલાર પેનલ લગાવવા સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરિણામે આજે દેશ વર્ષ 2014ની તુલનાએ લગભગ 50 ગણું વધુ સોલાર પાવર ઉત્પાદન કરી રહ્યો છે.
પિયુષ ગોયલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી મફત યોજનાઓ પર નિર્ભરતા ઘટાડીને લોકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકી રહ્યા છે. મફત વીજળી મેળવવાની બદલે લોકો પોતાના ઘરો પર સોલાર રૂફટોપ લગાવી વીજળીમાં સ્વાવલંબન પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાતે 24 કલાક વીજ પુરવઠો અને આત્મનિર્ભરતા કેવી રીતે હાંસલ કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશ સમક્ષ રજૂ કર્યું છે.
પી.એમ. કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર એનર્જીના માધ્યમથી વધારાની આવક મેળવવાની તક મળી રહી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતનો વિકાસ એટલે સમગ્ર ભારતનો વિકાસ


