3 વર્ષ પહેલા ક્રિકેટર રોહિત શર્માને જે કામ માટે જવાબદારી સોંપવામાં આવી હતી, તે કામ આજે કેપ્ટન રોહિત શર્માએ કરી બતાવ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજી ICC ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. 29 જૂન 2024ના રોજ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, ભારતીય ટીમે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી લીધી છે. રોહિતે ટીમ ઈન્ડિયાને ફક્ત તેની કેપ્ટનશીપથી જ નહીં, પરંતુ તેની બેટિંગથી પણ ચેમ્પિયન બનાવી છે. આ સાથે રોહિતે મહાન કેપ્ટન એમએસ ધોનીની બરાબરી પણ કરી લીધી છે.
રોહિતે MS ધોનીની જેમ સિદ્ધિ મેળવી
દુબઈમાં રમાયેલી ફાઈનલ પહેલા, રોહિતના બેટે આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ ભારતીય કેપ્ટને ફાઈનલમાં તેની ભરપાઈ કરી દીધી છે. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 252 રનના લક્ષ્યનો પીછો કરતા રોહિતે ધમાકેદાર શરૂઆત કરી અને મેચમાં સૌથી વધુ 76 રન બનાવ્યા અને ટીમની જીત સુનિશ્ચિત કરી. આ શાનદાર પ્રદર્શન માટે રોહિતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ સાથે રોહિતે એમએસ ધોનીની જેમ સિદ્ધિ મેળવી છે. તે ICC ટુર્નામેન્ટ જીતનાર અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર માત્ર બીજો કેપ્ટન બન્યો છે. 2011ની ફાઈનલમાં ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.
જીત બાદ શું કહ્યું રોહિત શર્માએ ?
ટાઈટલ જીત્યા પછી અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા પછી રોહિત શર્માએ આ જીતનો શ્રેય આખી ટીમને આપ્યો છે. રોહિતે કહ્યું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સતત સારું ક્રિકેટ રમી અને જ્યારે પરિણામ આખરે ટીમના પક્ષમાં ગયું ત્યારે તે ખૂબ જ સારી લાગણી હતી. આ પછી, રોહિતે પોતાની ઈનિંગ વિશે જણાવ્યું અને કહ્યું કે જેમ તેણે 2023ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડ સાથે વાત કરીને પોતાની રમત બદલી નાખી હતી, તેવી જ રીતે તેણે નવા કોચ ગૌતમ ગંભીર સાથે વાત કર્યા પછી તે જ શૈલી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને આમાં તેને બંને કોચનો ટેકો મળ્યો.


