- વેક્સિન ડોઝની નિકાસમાં ચીન અને રશિયા બાદ
- ભારતે વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનના કુલ 5.2 કરોડ ડોઝનું વિતરણ કર્યું છે
- નેધરલેન્ડ્સને આમાંથી લગભગ અડધા ડોઝ (48 ટકા) મળ્યા હતા
ચીન અને રશિયા બાદ ભારત કોવિડની રસીનો ત્રીજો મોટો નિકાસકાર દેશ બન્યો છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતે જાન્યુઆરી, 2021થી જૂન, 2023 સુધીમાં 30.1 કરોડ કોવિડ વેક્સિનના ડોઝની નિકાસ કરી છે. તેમાંની 77 ટકા એટલે કે 23.4 કરોડ કોવિડ રસી વાણિજ્યિક હેતુથી મોકલવામાં આવી હતી.
17.3 ટકા રસીના ડોઝ કોવેક્સના માધ્યમથી સીધી ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોને આપવામાં આવી હતી. નેધરલેન્ડ્સને આમાંથી લગભગ અડધા ડોઝ (48 ટકા) મળ્યા હતા. રસીના ડોઝ મેળવનારા મુખ્ય દેશોમાં બાંગ્લાદેશ, નાઇજિરિયા અને નેપાળ સામેલ છે, જેમને કોવિડ વેક્સિનના 1.5 કરોડ ડોઝ મળ્યા હતા. રસીનો ડાઝ મેળવનારા મુખ્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા અને મ્યાંમારનો સમાવેશ પણ થાય છે. આંકડા અનુસાર, કોવેક્સ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે 5.2 કરોડ રસીના ડોઝનું વિતરણ કર્યું છે.
સીરમે વિશ્વસ્તરે 29.5 કરોડ રસીનો પુરવઠો પૂરો પાડયો
સીરમ ઇન્સ્ટિટયૂટે વિશ્વસ્તરે 29.5 કરોડ રસીનો પુરવઠો પૂરો પાડયો હતો. તેમાં 12.5 કરોડ કોવિશિલ્ડના ડોઝ હતા. વેચાણની શ્રોણીમાં 16.8 કરોડ કોવોવેક્સ ડોઝ અને 6.2 કરોડ કોવિશિલ્ડ રસીનો પુરવઠો પૂરો પાડયો.
ભારતમાં કેસ વધતાં નેપાળમાં કડક પગલાં
ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસોને જોતાં નેપાળે પોતાના દેશમાં કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ભારતથી નેપાળ આવનારા દરેક વ્યક્તિને ઝૂલાઘાટમાં એન્ટિઝન ટેસ્ટ કરાવ્યા બાદ જ આગળ જવા દેવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર બેતડીના અધિકારીએ કહ્યું કે ગયા કોરોનાકાળમાં ભારતથી આવેલા 467 લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો, તેથી આ વખતે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.


