- ન્યૂઝીલેન્ડ પાંચ વિકેટે 172, મેન ઓફ ધ મેચ બનેલા ટ્રેન્ટ બાઉલ્ટની ત્રણ વિકેટ
- પાકિસ્તાનને જો 150નો ટાર્ગેટ મળે તો તેણે 3.4 ઓવરમાં હાંસલ કરવો પડશે’
- અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 438 રનના તોતિંગ માર્જિનથી હરાવવું પડશે
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટેની દાવેદારી મજબૂત કરી દીધી હતી. આ મેચ પહેલાં સેમિફાઇનલ માટેની ચોથી ટીમ માટે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ રેસમાં હતી પરંતુ શ્રીલંકા સામેના વિજય બાદ ન્યૂઝીલેન્ડ 99 ટકા સેમિફાઇનલ માટે લગભગ નિશ્ચિત થઇ ચૂકી છે. તેનો મુકાબલો ભારત સામે થશે. પાકિસ્તાને જો સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તેણે 2019ની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને 287 રનના જંગી માર્જિનથી હરાવવી પડશે. જો પાકિસ્તાન રનચેઝ કરે અને તેને 150નો ટાર્ગેટ મળે તો તેણે 3.4 ઓવરમાં હાંસલ કરવો પડે તેમ છે જે અશક્ય છે. બીજી તરફ અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો અને ન્યૂઝીલેન્ડના નેટ રનરેટને પાછળ રાખવો હોય તો ઓસ્ટ્રેલિયાને 438 રનના જંગી માર્જિનથી હરાવવું પડે તેમ છે.
આમ ગણતરીઓને ધ્યાનમાં રાખતા ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન પોતાની છેલ્લી લીગ મેચો જીતે તો પણ નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવી શકશે નહીં. પોઇન્ટ ટેબલના આધારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમે પાંચ વિજય સાથે 10 પોઇન્ટ મેળવ્યા છે અને તે રનરેટના આધારે અન્ય બે ટીમો કરતાં ઘણી આગળ છે. પાકિસ્તાન ઇંગ્લેન્ડને હરાવે તો પણ તે ન્યૂઝીલેન્ડના રનરેટથી આગળ થઇ શકશે નહીં.
સતત ચાર પરાજય બાદ ન્યૂઝીલેન્ડ જીત્યું
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 171 રનના સ્કોરે ઓલઆઉટ કરી દીધા બાદ 23મી ઓવરમાં પાંચ વિકેટના ભોગે લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. સતત ચાર મેચ હાર્યા બાદ કિવિ ટીમ માટે આ મુકાબલો ઘણો મહત્વપૂર્ણ હતો. ટાર્ગેટ ચેઝ કરનાર કિવિ ટીમ માટે ઓપનર ડેવોન કોનવેએ 42 બોલમાં 45 તથા રચિન રવીન્દ્રે 34 બોલમાં 42 રન બનાવવાની સાથે પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયનો પાયો નાખી દીધો હતો. ડેરિલ મિચેલે 43 રન બનાવીને ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી દીધી હતી. એન્જેલો મેથ્યુઝે બે વિકેટ હાંસલ કરી હતી.
કિવિ બોલર્સ સામે શ્રીલંકાની શરણાગતિ
મેન ઓફ ધ મેચ બનેલા ટ્રેન્ટ બાઉલ્ટે 37 રનમાં ત્રણ વિકેટ ઝડપીને શ્રીલંકન ટીમની બેટિંગને વેરવિખેર કરી નાખી હતી. ફર્ગ્યુસન, સાન્તેનર તથા રચિને બે-બે વિકેટ હાંસલ કરી હતી. શ્રીલંકન ટીમ માટે કુશલ પરેરાએ 28 બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે સર્વાધિક 51 રન બનાવ્યા હતા. પૂરી મેચમાં પણ આ એકમાત્ર અડધી સદી રહી હતી. ઇનિંગના અંત ભાગમાં મહિશ થીકશનાએ વિક્રમી 91 બોલ રમીને અણનમ 38 રન બનાવ્યા હતા.
બાઉલ્ટની વર્લ્ડ કપમા 50 વિકેટ પૂરી
શ્રીલંકા સામે વર્લ્ડ કપની 41મી મેચમાં ન્યૂઝીલેન્ડના અનુભવી ડાબોડી પેસ બોલર ટ્રેન્ટ બાઉલ્ટે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપવાની સાથે વર્લ્ડ કપમાં 50 વિકેટ પૂરી કરનાર પ્રથમ કિવિ બોલર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ડાબોડી બોલર પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કના નામે 59 તથા પાકિસ્તાનના વસીમ અકરમના નામે 55 વિકેટ છે. બાઉલ્ટે વર્લ્ડ કપમાં સર્વાધિક વિકેટના મામલે શ્રીલંકાના ચામિન્ડા વાસને પાછળ રાખી દીધો હતો. વર્લ્ડ કપમાં ગ્લેન મેકગ્રાના નામે હાઇએસ્ટ 71 વિકેટ છે.
ન્યૂઝીલેન્ડ માટે કુલ 600 વિકેટ પૂરી કરી । ટ્રેન્ટ બાઉલ્ટે વધુ એક સિદ્ધિ પણ હાંસલ કરી હતી. તે ન્યૂઝીલેન્ડ તરફથી તમામ ફોર્મેટમાં 600 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ત્રીજો બોલર બની ગયો છે. તેના નામે હવે 601 વિકેટ છે. આ યાદીમાં ટિમ સાઉથી 732 વિકેટ સાથે મોખરાના ક્રમે તથા ડેનિયલ વેટ્ટોરી 705 વિકેટ સાથે બીજા ક્રમે છે.


