માર્ચ 2025માં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્સન ભારત આવ્યા ત્યારે આ કરાર અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. બંને નેતાઓએ જણાવ્યું કે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર 9 મહિનાના રેકોર્ડ સમયમાં FTA પૂર્ણ થયો છે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવાની સંયુક્ત મહત્ત્વાકાંક્ષા અને રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે.
આ FTA દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરશે, બંને દેશોને એકબીજાના બજારો સુધી સરળ પહોંચ આપશે અને રોકાણને પણ પ્રોત્સાહન આપશે. મુક્ત વેપાર કરાર ભારત–ન્યૂઝીલેન્ડના વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરશે અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ, ખેડૂતો, MSME, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવા અવસરો ખોલશે.
વેપાર બમણો કરવા અને રોકાણ વધારવા પર સહમતિ સધાઇ
વાતચીત દરમિયાન બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે FTAથી બંને દેશોના સંબંધોની પાયાની મજબૂતી થશે અને આગામી પાંચ વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર બમણો થશે. બંને નેતાઓ આગામી 15 વર્ષોમાં ન્યૂઝીલેન્ડથી ભારતમાં 20 અબજ ડોલરના રોકાણ અંગે પણ સહમત થયા. વડાપ્રધાન મોદી અને લક્સને રમતગમત, શિક્ષણ અને લોકો વચ્ચેના સંપર્ક જેવા દ્વિપક્ષીય સહયોગના અન્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનું પણ સ્વાગત કર્યું.
ભારતના અન્ય કયા દેશો સાથે FTA છે?
આ છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતનો સાતમો મુક્ત વેપાર કરાર છે. આ પહેલાં ભારત ઓમાન, યુનાઇટેડ કિંગડમ (યુકે), EFTA દેશો, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), ઓસ્ટ્રેલિયા અને મોરિશિયસ સાથે FTA કરી ચૂક્યું છે.
મુક્ત વેપાર કરારથી ભારતને શું લાભ મળશે?
મુક્ત વેપાર કરારના કારણે ભારતના 100% નિકાસને ઝીરો ટેરિફ પર માર્કેટ એક્સેસ મળશે. ભારતે ન્યૂઝીલેન્ડ સાથેના દ્વિપક્ષીય વેપારના 95% હિસ્સાને આવરી લેતી 70% ટેરિફ લાઈનોમાં ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે. આ કરાર અંગે ચર્ચા 16 માર્ચ 2025થી શરૂ થઈ હતી અને માત્ર 9 મહિનામાં જ તે પૂર્ણ થઈ ગઈ, જે કોઈ પણ વિકસિત દેશ સાથે થયેલો સૌથી ઝડપી FTA છે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડે ભારતને અત્યાર સુધીનું સૌથી ઉત્તમ માર્કેટ એક્સેસ અને સેવાઓની ઓફર કરી છે. તેમાં કમ્પ્યુટર સંબંધિત સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, ઓડિયો-વિઝ્યુઅલ સેવાઓ, ટેલિકોમ સેવાઓ, બાંધકામ સેવાઓ, પર્યટન અને મુસાફરી સંબંધિત સેવાઓ સહિત કુલ 118 સેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.


