ભારતીય સેના દેશની સુરક્ષા માટે સરહદ પર સતત તૈનાત રહે છે. બદલાતી ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના વ્યાપક પ્રભાવ વચ્ચે, સેનાએ હવે સોશિયલ મીડિયા ઉપયોગ અંગે પોતાની નીતિઓને વધુ કડક અને સ્પષ્ટ બનાવી છે. તાજેતરમાં જારી થયેલી નવી માર્ગદર્શિકા અનુસાર, સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે, પરંતુ માત્ર “વ્યુ-ઓનલી” મર્યાદામાં.
નવા નિયમ મૂજબ શું છે?
નવા નિયમો મુજબ, સૈનિકો કોઈપણ પ્રકારની પોસ્ટ શેર કરી શકશે નહીં, કોઈ પોસ્ટને લાઈક કરી શકશે નહીં અને ટિપ્પણી પણ કરી શકશે નહીં. તેઓ માત્ર રીલ્સ અને અન્ય કન્ટેન્ટ જોઈ શકશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ડેટા લીક, લોકેશન ટ્રેકિંગ અને ઓપરેશનલ માહિતી બહાર જવાની શક્યતાઓને અટકાવવાનો છે.
સોશિયલ મીડિયાથી કોઇ માહિતી ના થવી જોઇએ
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત અનિચ્છનીય માહિતી અજાણતાં જ બહાર આવી જાય છે, જે શત્રુ તત્વો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ફોટા, વિડિયો અને લાઈવ અપડેટ્સથી સૈનિકોની તૈનાતી, સાધનો અને ગતિશીલતાની માહિતી સામે આવી શકે છે. આ જોખમોને ઘટાડવા માટે જ આ નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
સૈનિકોને વધુ સાવધાન કરવાનો
નવા નિર્દેશોનો હેતુ માત્ર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ સૈનિકોને વધુ સચેત બનાવવાનો છે. મર્યાદિત ઍક્સેસ દ્વારા સૈનિકો સોશિયલ મીડિયા પર ફરતી નકલી, ગેરમાર્ગે દોરતી અથવા શંકાસ્પદ સામગ્રી ઓળખી શકે અને તેની માહિતી પોતાના ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડી શકે તેવો ઉદ્દેશ પણ આ નીતિ પાછળ છે. આ રીતે, સોશિયલ મીડિયા એક ખતરાની જગ્યાએ માહિતી એકત્રિત કરવાનો સાધન બની શકે છે.
અગાઉના તમામ નિયમો યથાવત
સેનાએ સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ પ્રવૃત્તિ સંબંધિત અગાઉના તમામ નિયમો યથાવત રહેશે. મોબાઇલ ફોન, એપ્લિકેશન પરમિશન, લોકેશન સર્વિસ અને કેમેરા ઉપયોગ અંગેની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવું તમામ લશ્કરી કર્મચારીઓ માટે ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન શિસ્તભંગ ગણાશે અને તેના માટે કાર્યવાહી થઈ શકે છે.


