પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીર બાદ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પણ ભારતને યુદ્ધની ધમકી આપી છે . ભુટ્ટોએ કહ્યું છે કે જો ભારત સિંધુ જળ સંધિ રદ કરે છે અને ડેમ બનાવે છે તો ભારત સામે યુદ્ધ થશે . બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના લોકોને સમર્થન માટે અપીલ કરી છે . બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આપણને પાકિસ્તાનના લોકોની જરૂર છે, આપણે મોદી સામે અવાજ ઉઠાવવો પડશે જેથી આપણે આ જુલમ રોકી શકીએ.
પાકિસ્તાન શાંતિની વાત કરે છે, ભારત યુદ્ધની વાત કરે છે : બિલાવલ ભુટ્ટો
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આ દેશના લોકોમાં એટલી શક્તિ છે કે આપણે યુદ્ધમાં પણ તેમની સામે લડી શકીએ છીએ અને આપણે બધી 6 નદીઓ પરત મેળવી શકીએ છીએ. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય યુદ્ધ નથી કર્યું, અમે શાંતિની વાત કરીએ છીએ, પાકિસ્તાનના સર્વોચ્ચ નેતા જ્યાં પણ ગયા, તેમણે શાંતિની વાત કરી અને ભારતે યુદ્ધની વાત કરી, પરંતુ જો યુદ્ધ થાય છે તો અમે શાહ અબ્દુલની ભૂમિ પરથી મોદી સરકારને કહેવા માગીએ છીએ કે અમે પીછેહઠ કરતા નથી, અમે ઝૂકતા નથી. અમે કહેવા માગીએ છીએ કે જો ભારત આવા હુમલા વિશે વિચારે છે તો પાકિસ્તાનના દરેક પ્રાંતના લોકો લડવા માટે તૈયાર છે, આ એક એવું યુદ્ધ છે જે ભારત ચોક્કસપણે હારી જશે.
આસીમ મુનીરે આપી હતી પરમાણુ યુદ્ધની ધમકી
અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફે ત્યાં એક કાર્યક્રમ દરમિયાન ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા અસીમ મુનીરે કહ્યું હતું કે આપણે પરમાણુ સમૃદ્ધ દેશ છીએ. જો આપણને ડૂબાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. મુનીર અહીં જ અટક્યા નહીં, તેમણે તો એમ પણ કહ્યું કે ભારત સિંધુ નદી પર બંધ બનાવવા જઈ રહ્યું છે. તેને બનવા દો, આપણે તેને મિસાઈલથી નષ્ટ કરીશું.