9 મેના રોજ, PCB એ જાહેરાત કરી કે PSL 2025 ટુર્નામેન્ટની બાકીની મેચો પાકિસ્તાનની બહાર યોજાશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, વિદેશી ખેલાડીઓને શક્ય તેટલી વહેલી તકે તેમના દેશમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વાસ્તવમાં ખેલાડીઓ યુએઈ થઈને પોતપોતાના દેશોમાં પહોંચ્યા છે. હવે બાંગ્લાદેશી ક્રિકેટર રિશાદ હુસૈને ખુલાસો કર્યો છે કે કેવી રીતે ખેલાડીઓએ દુબઈ પહોંચતાની સાથે જ રાહતનો શ્વાસ લીધો.
મીડિયા રિપોર્ટ મુજબ દુબઈ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતી વખતે, રિશાદ હુસૈને કહ્યું કે “ભગવાનનો આભાર, અમે એક ભયંકર સંકટમાંથી બહાર નીકળી ગયા છીએ અને દુબઈ પહોંચી ગયા છીએ અને હવે હું સારું અનુભવી રહ્યો છું.”
20 મિનિટ પછી એરપોર્ટ પર થયા બ્લાસ્ટ
રિશાદ હુસૈને વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ પાકિસ્તાન એરપોર્ટથી નીકળ્યા ત્યારે 20 મિનિટમાં એરપોર્ટ પર બ્લાસ્ટ થયા. તેને કહ્યું, “આ સમાચાર એક જ સમયે ડરામણા અને પીડાદાયક છે. હવે દુબઈ પહોંચ્યા પછી, અમને એવું લાગે છે કે જાણે અમને બીજું જીવન મળ્યું હોય.”
ધ્રૂજવા લાગ્યો નાહિદ રાણા
રિશાદ હુસૈને જણાવ્યું કે તેનો સાથી દેશી ક્રિકેટર નાહિદ રાણા ધ્રૂજવા લાગ્યો. તેને કહ્યું, “નાહિદ રાણા ખૂબ જ શાંત હતો, કદાચ તે તણાવમાં હતો. હું તેને વારંવાર કહેતો રહ્યો કે તે તણાવમાં ન આવે અને આશા રાખે કે આપણને કંઈ ન થાય.”
બાંગ્લાદેશી ક્રિકેટરે પોતાના નિવેદનમાં વધુ એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે જ્યારે ઈંગ્લેન્ડના ખેલાડી ટોમ કરનને ખબર પડી કે પાકિસ્તાનમાં એરપોર્ટ બંધ છે, ત્યારે તે રડવા લાગ્યો. તમને જણાવી દઈએ કે પીસીબીના અધ્યક્ષ પહેલા બાકીની બધી મેચ કરાચીમાં કરાવવા માગતા હતા, પરંતુ જ્યારે ખેલાડીઓએ સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે મોહસીન નકવી સાથે ખેલાડીઓની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ યુએઈએ પણ મેચોનું આયોજન કરવાની માંગને નકારી કાઢી છે.


