ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. બન્ને દેશો શાંતિ જાળવે તે માટે વિવિધ દેશો ભારત-પાકિસ્તાનને અપીલ કરી રહ્યા છે. બુધવારથી ચાલી રહેલા યુદ્ધમાં, પાકિસ્તાને શુક્રવારે રાત્રે પણ ઘણા ભારતીય શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ આ તમામ હુમલાઓ નિષ્ફળ બનાવી દીધી હતી.
બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ
પાકિસ્તાન રાજૌરી, પૂંછ અને જમ્મુના અનેક જિલ્લાઓમાં ભારે ગોળીબાર કરી રહ્યું છે. જેમાં એક વરિષ્ઠ અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના નૂરખાન, મુરીદ ચકવાલ અને રફીકી એરબેઝને નિશાન બનાવ્યા હતા. બંને દેશો વચ્ચે વધતા તણાવને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા છે. ચીન, અમેરિકા, યુરોપિયન દેશો હોય કે આરબ દેશો દરેક સ્થળે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચા થઈ રહી છે.
ચીને શું કહ્યું?
બંને દેશોનો પાડોશી દેશ ચીન ભારત-પાકિસ્તાન તણાવ પર નજર રાખી રહ્યું છે અને વર્તમાન તણાવ પર સતત ટિપ્પણી કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ચીન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તણાવ વધવા અંગે ચિંતિત છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના હિતમાં કાર્ય કરવા, શાંતિ અને સંયમ રાખવા, શાંતિપૂર્ણ માધ્યમથી રાજકીય સમાધાનના માર્ગ પર પાછા ફરવા અને તણાવને વધુ વધારી શકે તેવી કોઈપણ કાર્યવાહી ટાળવા માટે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ.’
G-7 જૂથે પણ પોતાની પ્રતિક્રિયા આપી
G7 સભ્યો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનો અને ઉચ્ચ પ્રતિનિધિઓએ બંને દેશોને તાત્કાલિક તણાવ ઓછો કરવા હાકલ કરી છે. G7 વિદેશ મંત્રીઓ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ અને ભારત અને પાકિસ્તાન બંનેને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરીએ છીએ.
અમેરિકાની પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વર્તમાન તણાવ પર અનેક નિવેદનો આપ્યા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થાય. “આ એવી બાબત છે જેમાં આપણા વિદેશ સચિવ અને NSA માર્કો રુબિયો પણ સામેલ છે,” લેવિટે કહ્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇચ્છે છે કે તણાવ શક્ય તેટલી વહેલી તકે ઓછો થાય.
સાઉદી અરેબિયાએ શું કહ્યું?
સાઉદી અરેબિયા પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવથી ચિંતિત છે. સાઉદીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા, લશ્કરી સંઘર્ષનો અંત લાવવા અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓ અને વિવાદોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક સંક્ષિપ્ત નિવેદન જાહેર કર્યુ છે. અને જણાવ્યુ છે કે, બન્ને દેશ તણાવની સ્થિતિને ઓછી કરે અને વહેલી તકે નિવારણ લાવે.
કતાર અને ઇજિપ્તની પ્રતિક્રિયા
કતારે ભારત-પાકિસ્તાન તણાવ પર બંને દેશોને સંયમ રાખવા વિનંતી કરી છે. કતારના વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, ભારત-પાકિસ્તાન વાતચીત કરીને તમામ વિવાદો દૂર કરે અને શાંતિ જાળવવા પ્રયત્ન હાથ ધરે. તો આ તરફ, ઇજિપ્ત પણ ઇચ્છે કે, બન્ને દેશ વધુ તણાવને ટાળવાનો પ્રયત્ન કરે. ઇજિપ્તે ‘શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા બંને દેશોને અપીલ કરી છે.
ઈરાને શું કહ્યુ ?
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઈરાને પણ બંને દેશો સાથે સમાન વાતચીત જાળવી રાખી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘઝી તણાવ વચ્ચે પહેલા પાકિસ્તાન ગયા અને પછી ગુરુવારે ભારતની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે બંને દેશોને સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા વિનંતી કરી. તેમણે કહ્યું, ‘અમને આશા છે કે ભારત અને પાકિસ્તાન આ ક્ષેત્રમાં તણાવ વધતો અટકાવશે.’
તુર્કીની પ્રતિક્રિયા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, તુર્કીએ પાકિસ્તાનના સમર્થનમાં ઉભું હોય તેવું લાગે છે. ભલે તે પાકિસ્તાનને હથિયારો, ડ્રોન વગેરે આપીને મદદ કરવાનું હોય કે પછી પાકિસ્તાનના સમર્થનમાં નિવેદનો આપવાનું હોય, તુર્કી દરેક રીતે પાકિસ્તાનને ટેકો આપતો જોવા મળે છે. તાજેતરમાં, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનના સમર્થનમાં છે.


