- વંદે ભારત ટ્રેન માટેના કોચના નિર્માણની કામગીરી ઝડપી બનાવવામાં આવી
- કર્ણાટક, યુપી, મહારાષ્ટ્ર, બિહાર, તામિલનાડુ, કેરળની સરકારોએ વંદે ભારત માટે માગ કરી
- ઉત્તરનાં રાજ્યોમાં 34 નવી ટ્રેન શરૂ થશે
દેશના રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આ વર્ષે વધુ 60 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના ઘડી રહી છે. નવી ટ્રેનો લોન્ચ કરવા માટે ભારતીય રેલવે સતત કામ કરી રહ્યું છે. વર્ષ 2023માં કુલ 34 નવી વંદે ભારત ટ્રેનો લોન્ચ કરાઈ હતી. અહેવાલો અનુસાર વંદે ભારત ટ્રેનોના કોચનું ઝડપથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રેલવેને 70 નવી વંદે ભારત ટ્રેન મળવાની છે, જેમાં 15 નવેમ્બર પહેલાં 60 ટ્રેન મળી જશે. આ ટ્રેનોને નવા રૂટ્સ પર દોડાવવામાં આવશે. વર્ષમાં 60 નવી વંદે ભારત ટ્રેન લોન્ચ કરાયા બાદ લાખો મુસાફરોને તેનો ફાયદો મળવાની આશા સેવાઈ રહી છે. રેલવેના અધિકારીના અનુસાર વંદે ભારત ટ્રેનના રૂટ્સની પસંદગી રાજ્ય સરકાર, ભારતીય રેલવે અને એક સ્વતંત્ર સલાહકાર દ્વારા ઘણાં તબક્કાની ચર્ચા અને કેસ સ્ટડીના આધારે કરાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘણા તબક્કાની ચર્ચા થયા બાદ રેલવે બોર્ડની મંજૂરી મળે છે અને પછી વંદે ભારતના નવા રૂટ્સ નક્કી કરવામાં આવે છે. હજુ સુધીમાં રેલવે 35 નવા રૂટ નક્કી કર્યા છે, જેની પર નવી વંદે ભારત ટ્રેનો દોડી શકે છે.
ઉત્તરનાં રાજ્યોમાં 34 નવી ટ્રેન શરૂ થશે
અહેવાલો અનુસાર ઘણા નવા રૂટ્સ પર વંદે ભારત ટ્રેન લોન્ચ થશે. ઉત્તરના રાજ્યોમાં 34 નવી વંદે ભારત શરૂ થશે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં 25 નવી ટ્રેન શરૂ થશે. આ વર્ષે જે રૂટ્સ પર વંદે ભારત લોન્ચ થશે તેમાં ગુજરાતને બે ટ્રેન મળવાની સંભાવના છે જેમાં એક ટ્રેનનો રૂટ વડોદરાથી પૂણે વચ્ચે રહેશે. તે ઉપરાંત મુંબઇથી શેગાંવ, પૂણેથી શેગાંવ, બેલગાવીથી પૂણે, રાયપુરથી વારાણસી અને કોલકાતાથી રાઉરકેલા વચ્ચે ટ્રેન સામેલ રહેશે.


