રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બે કલાક ચાલેલા વાર્તાલાપ પછી યૂક્રેન અને રશિયા વચ્ચે ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધમાં સીઝફાયર અંગે સહમતી થઈ છે.
આ યુદ્ધને અટકાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીને પણ એક કારણ ગણવામાં આવે છે. પોલેન્ડના નાયબ વિદેશમંત્રી વ્લાદિસ્લો બારતોસજ્વિસ્કીએ કહ્યું કે પીએમ મોદીના વલણને કારણે આવું થયું છે. તેમણે કહ્યું કે, વ્લાદિમીર પુતિન સતત પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે યૂક્રેન પર આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. અમેરિકા સતત તેમને કહેતું હતું કે એવું ન કરશો.
પોલેન્ડના નેતા વ્લાદિસ્લોએ કહ્યું, પછી વ્લાદિમીરને બે ફોન કોલ આવ્યા. એક ચીનથી અને બીજો ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો. ચીન અને ભારત બંનેએ પરમાણુ યુદ્ધ કરવાની મંજૂરી ન આપી. બંને દેશોએ કહ્યું કે એવું કરવું ખોટું ગણાશે. અમે એવા યુદ્ધનું સમર્થન નથી કરતા. રશિયા બંને દેશને પોતાના મિત્ર ગણે છે. ત્યાર પછી પણ તેમના તરફથી યુદ્ધ માટે ના પાડવાથી જ પુતિનને પાછા હટવાનું યોગ્ય લાગ્યું. આથી પીએમ મોદીએ યૂક્રેન અને રશિયાના યુદ્ધને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ એક મહાન રાજનેતા છે. મંગળવારે સાંજે અમેરિકા અને રશિયાના નેતાઓ વચ્ચે થયેલી વાતચીત પછી ક્રેમલિને કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યૂક્રેનનાં ઊર્જા થાણાઓ પર 30 દિવસ માટે હુમલા અટકાવવા સંમત થયા છે. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાના પાંચ જ દિવસમાં દુનિયાના ઘણા નેતાઓ સાથે વાત કરી હતી.
ઝેલેન્સ્કીને પીએમ મોદી પર વિશ્વાસ હતો
યૂક્રેનના નેતા વોલોદિમીર ઝેલેન્સ્કી પણ કહી ચૂક્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમનું કહેવું હતું કે વ્લાદિમીર પુતિન સાથે સારા સંબંધોનો ઉપયોગ કરીને તેઓ યુદ્ધ અટકાવી શકે છે.


