યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વિશ્વના કેટલાક દેશો પર કેટલી પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. આ પછી, ભારતના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે તેઓ એનાલિસિસ કરી રહ્યા છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ભારત પર શું અસર પડશે. તેમજ ભારતે અમેરિકાના ટેરિફને ‘મિક્સ્ડ બેગ’ ગણાવ્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં તમામ આયાત પર સાર્વત્રિક 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જે 5 એપ્રિલથી લાગુ થશે અને બાકીના 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે.
ટેરિફ ભારત માટે આંચકો નથી
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26 ટકા ટેરિફ અંગે મંત્રાલયે કહ્યું કે તેઓ વિશ્લેષણ કરી રહ્યા છે કે આ ટેરિફની ભારત પર શું અસર પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ ભારત માટે મિશ્ર બેગ છે અને ભારત માટે કોઈ આંચકો નથી. મિશ્ર બેગનો અર્થ થાય છે એવી પરિસ્થિતિ જે હકારાત્મક અને નકારાત્મક બંને હોય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ભારત માટે ફટકો માની શકાય નહીં.
ટ્રમ્પે ભારત વિશે શું કહ્યું?
અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. ભારત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ જ અઘરો દેશ છે, વડાપ્રધાન મોદી હમણાં જ અમેરિકા આવ્યા હતા. તે મારો ખૂબ સારો મિત્ર છે, પણ મેં કહ્યું, તું મારો મિત્ર છે, પણ તું અમારી સાથે યોગ્ય વ્યવહાર નથી કરતો. તેઓ અમને અમેરિકન ઉત્પાદનો પર સરેરાશ 52 ટકા ટેરિફ વસૂલ કરે છે. આવી સ્થિતિમાં અમે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર સરેરાશ 26 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો કોઈ ભારતીય ઉત્પાદન અગાઉ અમેરિકામાં 26 ટકા ટેરિફ વિના $100માં ઉપલબ્ધ હતું, તો હવે તેની કિંમત $126 હશે.
ઘણા દેશો પર લગાવ્યો પારસ્પરિક ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિશ્વના ઘણા દેશો પર કેટલી પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે તેની યાદી બહાર પાડી છે. આ દરમિયાન તેણે કહ્યું, આ મુક્તિ દિવસ છે, એક દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 2 એપ્રિલ, 2025 એ દિવસ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે જે દિવસે અમેરિકન ઉદ્યોગનો પુનર્જન્મ થયો હતો, જે દિવસે અમેરિકાનું ભાગ્ય ફરીથી પ્રાપ્ત થયું હતું અને જે દિવસે આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવવાનું શરૂ કર્યું હતું. અમે તેને વધુ સમૃદ્ધ અને બહેતર બનાવીશું.
ટેરિફની જાહેરાત કરતી વખતે અમેરિકાએ એક ચાર્ટ બતાવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે કયા દેશ પર કેટલી પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ટેરિફ ભારત, ચીન, યુકે, યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશો પર લાદવામાં આવ્યો છે.


