- LETના હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીના મોતની સત્તાવાર જાહેરાત
- મે-2023ના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની જેલમાં થયું હતું મોત
- ભુટ્ટાવીને UN દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો
લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવીનો મોત થઈ ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગુરુવારે ભુટ્ટાવીના મોતની પુષ્ટિ કરી છે. ભુટ્ટાવી હાફિઝ સઇદનો ડેપ્યુટી પણ હતો.
મુંબઈ હુમલાના 10 આતંકીઓને આપી હતી ટ્રેનિંગ
યુએન દ્વારા જાહેર કરવામાં આવેલ આતંકવાદી ભુટ્ટાવીએ 2008ના મુંબઈ આતંકી હુમલા માટે એલઈટીના આતંકવાદીઓને તાલીમ આપી હતી. તેણે બે વખત આતંકવાદી સંગઠનના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું.
ગત વર્ષે પાકિસ્તાનમાં થયું હતું મોત
ગત વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની જેલમાં તેનું મૃત્યુ થયું હતું, જ્યાં તે આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હાફિઝ અબ્દુલ સલામ ભુટ્ટાવી હાફિઝ સઈદનો નાયબ હતો અને તેણે મુંબઈ હુમલામાં સામેલ ઓપરેટિવ્સને તાલીમ આપવામાં ભૂમિકા ભજવી હતી. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે હાફિઝ સઈદની અટકાયત કરવામાં આવી ત્યારે ભુટ્ટાવીએ ઓછામાં ઓછા બે વખત લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના કેરટેકર તરીકે કામ કર્યું હતું.


