દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભ જળને રીચાર્જ કરવામાં, રણની વિસ્તૃતિ રોકવામાં અને હવામાનને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ આજે અનેક વિસ્તારોમાં અરવલ્લી અસ્તિત્વ ગુમાવી રહી છે. ક્યાંક અડધી ટેકરી ગાયબ થઈ ગઈ છે તો ક્યાંક આખો પર્વત ખાણકામમાં સમાઈ ગયો છે. કેટલીક જગ્યાએ અરવલ્લી હાડપિંજર જેવી દેખાય છે, કારણ કે ખાણકામ દરમિયાન પર્વતોના પથ્થરો સંપૂર્ણપણે દૂર કરી નાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ સામે સોશિયલ મીડિયા પર પણ અરવલ્લી બચાવો જેવી ઝુંબેશો ચાલી રહી છે.
વિવાદની શરૂઆત ક્યારે થઇ ?
અરવલ્લી વિવાદની શરૂઆત 1990ના દાયકામાં થઈ, જ્યારે રાજસ્થાન અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણકામની ફરિયાદોમાં વધારો થયો. આ ખાણકામના કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું, હવામાં ધૂળ અને પ્રદૂષણ વધ્યું અને ભૂગર્ભ જળ સ્તર ઝડપથી નીચે જવા લાગ્યું. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે પર્યાવરણવાદીઓ અને સામાજિક સંગઠનોને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો.
પ્રથમ હસ્તક્ષેપ ક્યારે કર્યો ?
1992માં સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત હસ્તક્ષેપ કર્યો અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો. જોકે, આ પ્રતિબંધ પૂરતો અસરકારક સાબિત ન થયો અને ખાણકામની પ્રવૃત્તિઓ અનેક જગ્યાએ ચાલુ જ રહી. સ્થિતિ બગડતી જોઈને 2002માં સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી દ્વારા હરિયાણાના કોટ અને આલમપુર સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. કમિટીએ નોંધ્યું કે ખાણકામ અરવલ્લીની ટેકરીઓનો અપરિવર્તનીય નાશ કરી રહ્યું છે અને પર્યાવરણને એવું નુકસાન પહોંચાડી રહ્યું છે, જેની ભરપાઈ શક્ય નથી. તેના આધારે ઓક્ટોબર 2002માં હરિયાણા અને રાજસ્થાનના અરવલ્લી વિસ્તારમાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધની ભલામણ કરવામાં આવી.
તત્કાલી સરકારે આપ્યો આદેશ
આ દરમિયાન તત્કાલીન અશોક ગેહલોત સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી, જેના પરિણામે રાજસ્થાનમાં પહેલેથી હાજર ખાણકામ લીઝને મંજૂરી મળી, પરંતુ નવા લીઝ પર પ્રતિબંધ મુકાયો. આ નિર્ણય ખાણકામ ઉદ્યોગ માટે રાહતરૂપ હતો, પરંતુ પર્યાવરણવાદીઓએ તેને અધૂરો અને ખતરનાક ગણાવ્યો. વિવાદ વધતાં 2003માં ગેહલોત સરકારે એક નવી સમિતિ રચી, જે અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી રિચાર્ડ મર્ફીના સિદ્ધાંત પર આધારિત હતી. આ સિદ્ધાંત મુજબ સમુદ્ર સપાટીથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી તરીકે માન્યતા આપવામાં આવી, જ્યારે તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને ખાણકામ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. આ વ્યાખ્યા ભારે વિવાદાસ્પદ બની, કારણ કે તેના કારણે મોટા વિસ્તારમાં ખાણકામ માટે માર્ગ ખુલ્યો.
ખાણકામની ગતિ ફરી તેજ
ડિસેમ્બર 2003માં વસુંધરા રાજે સત્તામાં આવ્યા બાદ મર્ફી ફોર્મ્યુલા આધારે ખાણકામ લીઝ આપવામાં આવી, જેના કારણે ખાણકામની ગતિ ફરી તેજ બની. સાથે જ પર્યાવરણને થતું નુકસાન પણ વધ્યું. મામલો ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને એપ્રિલ 2005માં બંધુઆ મુક્તિ મોરચાની અરજી પર સુપ્રીમ કોર્ટે નવા ખાણકામ લીઝ પર સંપૂર્ણ રોક લગાવી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે પર્યાવરણીય અસર મૂલ્યાંકન વિના ખાણકામને મંજૂરી આપી શકાતી નથી.
2009માં સરકારનું વધુ કડક વલણ
2009માં સુપ્રીમ કોર્ટે વધુ કડક વલણ અપનાવી હરિયાણાના ફરીદાબાદ, ગુરુગ્રામ અને મેવાત જિલ્લામાં ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો. આ નિર્ણયને ગેરકાયદેસર ખાણકામ સામે એક મોટું પગલું માનવામાં આવ્યું. ત્યારબાદ 2010માં ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના અહેવાલે ખુલાસો કર્યો કે રાજસ્થાનના અલવર અને સિરોહી જેવા જિલ્લાઓમાં અરવલ્લી પર્વતમાળા ગંભીર રીતે નષ્ટ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ અહેવાલની નોંધ લઈને અરવલ્લીની સ્પષ્ટ વ્યાખ્યા અને તેની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ આપ્યા.
સરકારે ફરીથી મર્ફી ફોર્મ્યુલા અપનાવી
વિવાદને નવી દિશા નવેમ્બર 2025માં મળી, જ્યારે કેન્દ્ર સરકારે ફરીથી મર્ફી ફોર્મ્યુલા અપનાવી અરવલ્લી પ્રદેશને પુનઃવ્યાખ્યાયિત કર્યો. આ નવી વ્યાખ્યા મુજબ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી માનવામાં આવશે અને આવી બે ટેકરીઓ વચ્ચે 500 મીટર સુધીનો વિસ્તાર સુરક્ષિત રહેશે. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર 2025ના રોજ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં આ વ્યાખ્યાના અમલને મંજૂરી આપી. આ ફેરફારનો મુખ્ય વિવાદ 2008માં અપનાવેલી બહુકોણ પદ્ધતિમાંથી સમોચ્ચ રેખા પદ્ધતિમાં થયેલો પરિવર્તન છે, જેમાં નાની ટેકરીઓને મુખ્ય ટેકરીઓથી અલગ ગણવામાં આવી છે અને તેમની અંદર ખાણકામની મંજૂરી મળી શકે છે.
આ બાદ વધુ રાજકીય બન્યો વિવાદ
આ નિર્ણય બાદ અરવલ્લી વિવાદ વધુ રાજકીય બની ગયો છે. હરિયાણા અને રાજસ્થાનમાં ખાણકામ લોબી મજબૂત માનવામાં આવે છે, જ્યારે બંધુઆ મુક્તિ મોરચા અને અન્ય પર્યાવરણીય સંગઠનો કોર્ટમાં સતત લડત આપી રહ્યા છે. પર્યાવરણવાદીઓનો દાવો છે કે નવી વ્યાખ્યાથી અરવલ્લીનો લગભગ 90 ટકા વિસ્તાર ખાણકામ માટે ખુલ્લો થઈ જશે, જે ઇકોસિસ્ટમ માટે વિનાશક સાબિત થઈ શકે છે. બીજી તરફ, પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે ખાણકામ માત્ર 0.19 ટકા વિસ્તારમાં જ થશે, પરંતુ નિષ્ણાતો આ દાવાને ભ્રામક ગણાવે છે.
ઉત્તર ભારતના જળ સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ
અરવલ્લી પર્વતમાળા ઉત્તર ભારતના જળ સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેનો વિનાશ દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં પાણીની અછતને વધુ ગંભીર બનાવી શકે છે. સમગ્ર મામલો એ દર્શાવે છે કે અરવલ્લી સંરક્ષણની લડાઈ લાંબી અને જટિલ છે, જ્યાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સાધવાનું પડકારરૂપ બન્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી સંરક્ષણને પ્રાથમિકતા મળશે કે ખાણકામને, તેનો સાચો જવાબ આવનારા વર્ષોમાં જ મળશે.
આ પણ વાંચો : CBI-દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ પેડલર રિતિક બજાજને UAEથી ભારત લાવવામાં આવ્યો


