- 46 વર્ષીય ઉસ્માન નામના હેન્ડલરની શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ધરપકડ કરી
- આઈએસઆઈએસના હેન્ડલરના માથે શ્રીલંકામાં 20 લાખનું ઈનામ જાહેર કરાયું હતું
- ગુજરાત એટીએસે ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી હતી
શ્રીલંકાની પોલીસે પ્રતિબંધિત આઈએસઆઈએસ આતંકી સંગઠનમાં સામેલ અને અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરાયેલા ચાર શ્રીલંકન નાગરિકોના શકમંદ આકા એટલે કે હેન્ડલરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન વિભાગે ગેરાર્ડ પુષ્પરાજ ઉસ્માનની ધરપકડ કરી હતી. શ્રીલંકાની પોલીસે તેની ધરપકડ કરવા માટે વિશ્વસનીય માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઈનામની અગાઉ જાહેરાત કરી હતી.
ગુજરાત એટીએસે આઈએસઆઈએસ સાથે જોડાયેલા આરોપમાં ચાર શ્રીલંકાના નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી હતી. આ આતંકીઓ ઈન્ડિગોથી શ્રીલંકાની રાજધાની કોલંબોથી 19મેના રોજ ચેન્નઈ પહોંચ્યા હતા. શ્રીલંકન સુરક્ષાદળોને આશંકા છે કે 46 વર્ષીય શકમંદ ઉસ્માન આ ચાર શ્રીલંકન નાગરિકોનો આકા છે.
પાછલા મહિને ચાર આતંકીઓ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયા હતા
શ્રીલંકાના અધિકારીઓએ ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શ્રીલંકન નાગરિકોની તપાસ માટે ગત મહિને એક ઉચ્ચ સ્તરીય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 19 મેના રોજ ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા શ્રીલંકન નાગરિકોને પકડ્યા હતા. તેઓના નામ મોહમ્મદ નુસર, મોહમ્મદ ફારુક, મોહમ્મદ નફરાન અને મોહમ્મદ રાસદીન છે. આ આરોપીઓએ સ્વીકાર કર્યો હતો કે તેઓને સંબંધ આતંકવાદી સંગઠન નેશનલ તોહીદ જમાત સાથે છે. બાદમાં તેઓ પાકિસ્તાની આતંકી અબુ બક્ર અલ બગદાદીના સંપર્કમાં આવ્યા હતા. અને ફરી આઈએસમાં જોડાઈ ગયા હતા. તેમને આતંકવાદી ગતિવિધિઓ માટે રવાના કરવામાં આવ્યા હતા અને આ માટે તેઓને મોટી રકમ પણ આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે


