ભારત સરકારે તુર્કીયે સામે કાર્યવાહી કરતા મોટું પગલું ભર્યુ છે. નાગરિક ઉડ્ડયન બ્યુરોએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને તુર્કીયે એરપોર્ટની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસની સુરક્ષા મંજૂરી રદ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેલેબી એરપોર્ટ સર્વિસ ભારતના 8 એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલમાં પણ તુર્કીયેએ પાકિસ્તાનનો સાથ આપ્યો છે, ત્યારબાદ ભારત દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
મુંબઈ એરપોર્ટ પર સેલેબી કરે છે સંચાલન
તમને જણાવી દઈએ કે તાજેત્તરમાં જ મુંબઈમાં શિંદે જૂથના એક પ્રતિનિધિમંડળે 13 મેના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માગ કરી હતી કે મુંબઈ એરપોર્ટ તુર્કીયેની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ સાથેના સંબંધોનો અંત લાવે. ઉલ્લેખનીય છે કે મુંબઈ એરપોર્ટ પર સેલેબી લગભગ 70 ટકા ગ્રાઉન્ડ ઓપરેશન્સનું સંચાલન કરે છે. આમાં મુસાફરોની સેવાઓ, લોડ કંટ્રોલ, ફ્લાઈટ કામગીરી, કાર્ગો અને પોસ્ટલ સેવાઓ, વેરહાઉસિંગ અને પુલ કામગીરીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારતમાં તુર્કીયે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાનને ડ્રોન મોકલ્યા બાદ તુર્કીયેને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટર્કિશ સફરજનથી લઈને સૂકા મેવા અને માર્બલ અને અન્ય વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં, તુર્કીયે જતા ભારતીયોએ પણ ત્યાંના બુકિંગ રદ કર્યા છે. આના કારણે તુર્કીયેને તેના પ્રવાસન ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે. આ સિવાય દિલ્હીની JNU અને યુપીની કાનપુર યુનિવર્સિટીએ પણ તુર્કીયે યુનિવર્સિટી સાથેના કરારો તોડી કાઢ્યા છે. ટર્કિશ સફરજનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તુર્કીયેમાં ફિલ્મ શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી રહી છે. ભારતના લોકો ત્યાં જવાનો બહિષ્કાર કરી રહ્યા છે. ભારતમાં ‘બાયકોટ તુર્કી’નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તુર્કીયે વિરુદ્ધ દરેક રીતે વિરોધના અવાજો ઉઠી રહ્યા છે.


