ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન કાંગારૂ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં ટીમનો વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશ ઈજાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે અવેજી ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતરેલા ઈંગ્લિસ સ્નાયુ ખેંચાણને કારણે તે આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે.
29 વર્ષીય ઈંગ્લિસે અત્યાર સુધી સિરીઝની કોઈપણ મેચમાં ભાગ લીધો નથી, પરંતુ કેટલાક પ્રસંગોએ મેદાનમાં ઉતર્યો છે. ઈંગ્લિસ સિડનીમાં ટેસ્ટ ડેબ્યૂ કરે તેવી શક્યતા ન હતી અને એલેક્સ કેરી માટે તે એકમાત્ર બેકઅપ વિકલ્પ હતો.
નાથન મેકસ્વિની ફરશે પરત!
તેની ગેરહાજરીમાં, ઓસ્ટ્રેલિયા ટીમમાં વધારાના બેટ્સમેનનો સમાવેશ કરી શકે છે, જ્યાં પીટર હેન્ડ્સકોમ્બ ફેવરિટ લાગે છે. ટીમ નાથન મેકસ્વિની તરફ પણ ફરી શકે છે, જેને ગાબા ખાતેની ત્રીજી ટેસ્ટ પછી ડ્રોપ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લિસની ઈજાની પુષ્ટિ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે ‘તેને સ્નાયુ ખેંચાણ છે અને તે લાંબા સમય સુધી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેને બિગ બેશ લીગની બાકીની મેચોમાં રમવાનો નિર્ણય પણ વધુ મૂલ્યાંકન પછી જ લેવામાં આવશે.
સ્ટાર્ક સિડની ટેસ્ટ માટે ફિટ
શનિવારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે મેલબોર્નમાં છેલ્લા સેશનમાં બોલિંગ કરતી વખતે પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. એવી ધારણા હતી કે હેઝલવુડની જેમ સ્ટાર્કનું પણ સિડની ટેસ્ટમાં રમવું શંકાસ્પદ બની શકે છે. ડાબોડી ફાસ્ટ બોલર પહેલાથી જ સિરીઝમાં 115.2 ઓવર ફેંકી ચૂક્યો છે, જે પેટ કમિન્સ અને જસપ્રિત બુમરાહ પછી સૌથી વધુ છે.
બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે મેદાનમાં ઉતરતા પહેલા સ્ટાર્કે બધાને ખાતરી આપી હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. સ્ટાર્કે એસઈએન ક્રિકેટને કહ્યું કે ‘બધું બરાબર છે. ગતિમાં કોઈ ઘટાડો નથી, તેથી હું સંપૂર્ણપણે ઠીક છું. હું આજે રમવા માટે તૈયાર છું.


