- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે
- ત્રીજી ટેસ્ટમાંથી જસપ્રીત બુમરાહ થઈ શકે છે બહાર
- વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ
ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. જે બાદ જસપ્રીત બુમરાહના ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ અત્યાર સુધી આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે ઈંગ્લિશ બેટ્સમેનો પર તબાહી મચાવી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. જેના કારણે બુમરાહને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે જસપ્રીત બુમરાહ રાજકોટમાં રમાનારી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.
મોટું કારણ સામે આવ્યું
જસપ્રિત બુમરાહ હાલ ફોર્મમાં છે.અત્યાર સુધી જસપ્રિત બુમરાહ ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. આમ છતાં તેના ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે તેનું મોટું કારણ પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, IPL 2024 અને T20 વર્લ્ડકપ 2024ના વર્કલોડને ધ્યાનમાં રાખીને, ટીમ મેનેજમેન્ટ ત્રીજી ટેસ્ટ મેચ માટે જસપ્રીત બુમરાહને આરામ આપવા અને સિરીઝની બાકીની બે મેચો માટે બુમરાહને ટીમમાં પરત કરવા પર વિચાર કરી રહી છે. જો કે ત્રીજી ટેસ્ટ મેચમાં હજુ 10 દિવસ બાકી છે, આગળના વર્કલોડને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ આ કરી શકે છે.
ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
અહેવાલો અનુસાર, વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને પસંદગીકાર અજીત અગરકર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. એક અહેવાલ મુજબ હવે 6 ફેબ્રુઆરીએ ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. બીજી તરફ, ટીમ મેનેજમેન્ટ પણ આ અંગે બુમરાહ પર દબાણ લાવવા માંગતું નથી.
બીજી ટેસ્ટમાં જસપ્રિત બુમરાહનો કમાલ
વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં બેટિંગથી લઈને બોલિંગ સુધી ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં જયસ્વાલના બેટમાંથી 209 રન થયા હતા. આ પછી શુભમન ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. ગિલે બીજી ઇનિંગમાં 104 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે આગેવાની લીધી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ દાવમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં જો બુમરાહ ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે.


