- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- આકાશ દીપે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
- આકાશ દીપે 6 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં બિહારના લાલ આકાશ દીપને ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. આકાશ દીપે આ તકને બંને હાથે ઝડપી લીધી અને પોતાની પહેલી જ ઓવરથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. બુમરાહના બહાર થયા બાદ આકાશ દીપને ચોથી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડેબ્યૂ મેચમાં આકાશ દીપનો કમાલ જોવા મળ્યો હતો.
આકાશ દીપનો રાંચીમાં કમાલ
બિહારના આકાશ દીપને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી છે. આકાશ દીપે પહેલી જ ઓવરથી પોતાની છાપ છોડવાનું શરૂ કર્યું જેના માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આકાશ દીપે સૌથી પહેલા જેક ક્રોલીના સ્ટમ્પને ઉખાડી નાખ્યા હતા, જેના પછી આખું સ્ટેડિયમ ઉત્સાહમાં છવાઈ ગયો હતો. પરંતુ તે નો-બોલ હતો, જેના પછી આકાશ દીપને તેની પ્રથમ વિકેટ માટે વધુ રાહ જોવી પડી ન હતી.
આ પછી આકાશ દીપે એક જ ઓવરમાં ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા. પહેલા બેન ડકેટ અને પછી ઓલી પોપને આકાશ દીપે આઉટ કર્યા હતા. આ પછી આકાશે તેની આગામી ઓવરમાં ત્રીજી સફળતા મેળવી. આકાશે જેક ક્રોલીને ફરી બોલ્ડ આઉટ કર્યો હતો. જેક ક્રોલી શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તેને આકાશ દીપે પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
મેચના પહેલા જ કલાકમાં ઈંગ્લેન્ડની ઈનિંગ ખોરવાઈ
રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી પરંતુ ઈંગ્લેન્ડની આ સારી શરૂઆત લાંબો સમય ટકી શકી ન હતી. જે બાદ બોલિંગ કરવા આવેલા આકાશ દીપે ઈંગ્લિશ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે માત્ર 57 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.


