- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- ટીમ ઈન્ડિયા પ્રથમ દાવ 307 રનમાં ઓલઆઉટ
- ધ્રુવ જુરેલે 90 રનની શાનદાર ઈનિંગ રમી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવ 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાના સ્કોરને પ્રથમ દાવમાં 300થી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ધ્રુવ જુરેલ અંત સુધી યોદ્ધાની જેમ ઇંગ્લિશ બોલરો સામે લડતો રહ્યો. જે બાદ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ ધ્રુવ જુરેલના ફેન બની ગયા છે. સુનીલ ગાવસ્કરે ધ્રુવ જુરેલની સરખામણી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી છે.
ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાની ‘લાજ’ બચાવી
રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ 307 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલે સૌથી વધુ 90 રનની ઈનિંગ્સ રમી હતી. જો કે તે પોતાની પ્રથમ ટેસ્ટ ઈન્ટરનેશનલ સદીથી 10 રન દૂર રહ્યો હતો, પરંતુ હવે બધા ધ્રુવની ઈનિંગના વખાણ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન ધ્રુવ જુરેલની પ્રશંસા કરી અને કહ્યું કે ધ્રુવ જુરેલની માનસિક ક્ષમતા જોઈને મને લાગે છે કે તે આગામી એમએસ ધોની છે.
ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી
ભારતીય બેટ્સમેનો મોટાભાગે ઈંગ્લેન્ડના બોલરો સામે ટકી શક્યા ન હતા. એક સમયે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા 250 રન પણ બનાવી શકશે નહીં પરંતુ ધ્રુવ જુરેલનો ઈરાદો અલગ હતો. તેણે માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ ટીમના સ્કોરને 300ની પાર પણ પહોંચાડ્યો. પ્રથમ દાવમાં, ધ્રુવ જુરેલે તેની ટેસ્ટ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. જોકે, ધ્રુવ 90 રને આઉટ થયો હતો. જેના કારણે ચાહકો પણ ધ્રુવ માટે ખૂબ નિરાશ છે.
ધ્રુવ જુરેલ એક શાનદાર વિકેટકીપર બેટ્સમેન
આ સિરીઝમાં અત્યાર સુધી ધ્રુવ જુરેલે બેટિંગની સાથે વિકેટ કીપિંગમાં પણ કમાલ કરી છે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ બંને માટે આ ખૂબ જ સારા સમાચાર હશે. ઋષભ પંતની ઈજા બાદ ભારત સતત એવા વિકેટકીપર બેટ્સમેનની શોધમાં હતું. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી ભારતને સારા બેકઅપ કીપરની જરૂર હતી. કેએસ ભરત સારો કીપર સાબિત થયો હતો પરંતુ તકો મળવા છતાં તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.


