- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ
- સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 3-1થી સરસાઈ મેળવી
- આ સીરિઝમાં યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. આ સીરિઝ માટે કિંગ કોહલીનું નામ ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે અંગત કારણોસર આ સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વિરાટ ભલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર રહ્યો, પરંતુ ટીમ ઈન્ડિયાએ સીરિઝ જીતી લીધી છે. ભારતના યુવા ખેલાડીઓએ આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારતે જીત મેળવી છે. જેને લઈને ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઈશારામાં વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ટીમના યુવાનો સારું રમી રહ્યા છે
પાંચમી ટેસ્ટ મેચ પહેલા સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે. આ સાથે તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરી છે. ગાવસ્કરે કહ્યું કે ભારતીય ટીમ મોટા ખેલાડીઓ વિના પણ સારું રમી રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં પણ ભારતના ઘણા સિનિયર ખેલાડીઓ ટીમનો ભાગ નહોતા, તેમ છતાં યુવાઓના કારણે ટીમે સારી રમત દેખાડી છે. તે સીરિઝ એકદમ સંઘર્ષ વાળી હતી. પરંતુ ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સીરિઝ પર કબજો કર્યો છે.
કેપ્ટન અને કોચને ક્રેડિટ મળવી જોઈએ
ગાવસ્કરે કહ્યું કે ક્રિકેટ કોઈ એક વ્યક્તિની રમત નથી. ક્રિકેટ મેચ જીતવા માટે આખી ટીમે સાથે આવવું પડે છે, તે એક ટીમ વર્ક છે. કોઈ એક ખેલાડી હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારતે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સીરિઝ જીતી છે. આ માટે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને શ્રેય આપવો જોઈએ કે તેઓએ યુવા ખેલાડીઓ સાથે કેવી રીતે રમતનું સંચાલન કર્યું છે.
ટીમમાં યુવા ખેલાડીઓને રમવાની તક આપવામાં આવી હતી અને તેઓને તેમની નેચરલ રમત રમવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે મેચ જીતવા માટે કોઈ મોટો ખેલાડી હોવો જરૂરી નથી, જો કોઈ એવું વિચારતું હોય કે તેના વિના મેચ જીતી શકાય તેમ નથી તો તે ખોટા છે. ગાવસ્કરના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ચાહકો કહી રહ્યા છે કે તે ચોક્કસપણે વિરાટ કોહલી વિશે કહેવામાં આવ્યું છે.


