ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. જેની તૈયારીને ધ્યાનમાં રાખીને ભારત-એ ટીમ સાથે પ્રમુખ ટીમના કેટલાક ખેલાડીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, જેમાં તે ખેલાડીઓ ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે 2 મેચની અનઓફિશિયલ ટેસ્ટ સિરીઝ રમી રહ્યા છે.
આ સિરીઝની પહેલી મેચ ડ્રો રહી હતી, જ્યારે બંને ટીમો વચ્ચે બીજી મેચ 6 જૂનથી રમાશે. ઈંગ્લેન્ડ લાયન્સે આ બીજી મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં 2 પ્રમુખ ખેલાડીઓની એન્ટ્રી થઈ છે, જે ભારત સામેની પહેલી ટેસ્ટ મેચમાં પણ રમી શકે છે.
ક્રિસ વોક્સ અને જોશ ટોંગ રમશે આ મેચ
ઈંગ્લેન્ડ લાયન્સે ભારત-એ ટીમ સામેની નોર્થમ્પ્ટનમાં થનારી બીજી અનઓફિશિયલ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં તેમને ઝડપી બોલર ક્રિસ વોક્સ અને જોશ ટોંગનો સમાવેશ કર્યો છે. ક્રિસ વોક્સ જે એંકલ ઈન્જરીની પીડાઈ રહ્યો હતો તેને કાઉન્ટી ક્રિકેટમાં વોર્વિકશાયર તરફથી રમતી વખતે 6 વિકેટ લીધી, જેનાથી તેને પોતાની ફિટનેસ સાબિત કરી હતી.
જોશ ટોંગ ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની ટ્રેન્ટબ્રિજના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં પણ રમ્યો હતો. ક્રિસ વોક્સ અને જોશ ટોંગ ભારત સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં રમશે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે ગુસ એટકિન્સન, માર્ક વુડ અને જોફ્રા આર્ચર ફિટ ન હોવાને કારણે સિલેક્શન માટે ઉપલબ્ધ નથી.
કેએલ રાહુલ પર રહેશે ફેન્સની નજર
ઈન્ડિયા-એ તરફથી આ બીજી મેચમાં કેએલ રાહુલ પણ રમતો જોવા મળશે, જેનું ફોર્મ આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કરુણ નાયર જેને પહેલી મેચમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી, તેના પ્રદર્શન પર પણ ફેન્સની નજર રહેશે. કરુણ નાયર જે લાંબા સમય પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે, તેના માટે પણ ઈંગ્લેન્ડનો પ્રવાસ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે.
ઈન્ડિયા A ટીમ સામે બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ
જેમ્સ રિયુ (કેપ્ટન અને વિકેટકીપર), ફરહાન અહમદ, જોર્ડન કોક્સ, રોકી ફ્લિન્ટોફ, એમિલિયો ગે, ટોમ હેન્સ, જોર્જ હિલ, મેક્સ હોલ્ડન, બેન મેકકિની, એડી જેક, અજિત સિંહ ડેલ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.