- ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર
- ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ચેતેશ્વર પુજારાની અવગણના
- રણજી ટ્રોફીમાં ચેતેશ્વર પુજારાએ ફટકારી અણનમ બેવડી સદી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ સિરીઝ 25 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝમાંથી ઘણા મોટા ખેલાડીઓ બહાર થઈ ગયા છે. જેમાં મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ સામેલ છે. આમાં સૌથી આશ્ચર્યજનક નામ છે ચેતેશ્વર પૂજારાનું. પુજારા ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ સારો બેટ્સમેન છે. પૂજારાને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. જે બાદ ચેતેશ્વર પુજારા ડોમેસ્ટિક ક્રિકેટ તરફ વળ્યા અને ટીમમાં વાપસીનો દાવો કર્યો હતો.
રણજીમાં બેવડી સદી ફટકારી
રણજી ટ્રોફીમાં વાપસી સાથે ચેતેશ્વર પૂજારાએ શાનદાર ઇનિંગ રમીને ટીકાકારોને જવાબ આપ્યો હતો. ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફી 2024ની પોતાની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી. જે બાદ ચાહકોને આશા હતી કે હવે પુજારા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. આમ છતાં પસંદગીકારોએ તેને ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝમાંથી નજરઅંદાજ કર્યો છે.
જે બાદ હવે મોટો સવાલ એ છે કે શું પુજારા ક્યારેય ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે કે પછી પુજારાની ઈન્ટરનેશનલ ટેસ્ટ કારકિર્દી ખતમ થવા જઈ રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાના આંકડા ઘણા સારા છે અને તેની પાસે ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમ સામે રમવાનો ઘણો અનુભવ પણ છે, તેમ છતાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
પૂજારાની ટેસ્ટ કારકિર્દી
ચેતેશ્વર પુજારા લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પુજારાએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 103 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના નામે 7195 રન છે. આ દરમિયાન પૂજારાએ 19 સદી અને 35 ફિફટી ફટકારી છે. પુજારાનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રન છે.


