- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને વચ્ચે રમાશે મેચ
- બંને ટીમે સેમીફાઈનલ માટે કર્યું છે ક્વોલીફાઈ
વર્લ્ડકપ 2023માં સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી ચુકેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. બંને દેશ વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બંને ટીમ ટૂર્નામેન્ટમાં 7-7 મેચ રમી છે. જેમાં ભારતીય ટીમની તમામ મેચમાં જીત થઈ છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમની 7માંથી 6 મેચમાં જીત થઈ છે.
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે હેડ ટૂ હેડ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 90 વનડે મેચ રમવામાં આવી છે. જેમાંથી ભારતની 37 મેચમાં અને સાઉથ આફ્રિકાની 50 મેચમાં જીત થઈ છે. બંને વચ્ચે રમાયેલી 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. વર્લ્ડકપની વાત કરવામાં આવે તો, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી સાઉથ આફ્રિકાની 3 અને ભારતની 2 મેચમાં જીત થઈ છે. વર્ષ 2015ના વર્લ્ડકપમાં ભારતે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. જે બાદ વર્ષ 2019ના વર્લ્ડકપમાં પણ ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ગત વર્લ્ડકપમાં રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારી હતી.
ડિ કોકનું ફોર્મ શાનદાર
સાઉથ આફ્રિકાની બેટિંગ આ ટૂર્નામેન્ટમાં શાનદાર છે. પોતાની છેલ્લી વર્લ્ડકપ રમી રહેલા ક્વિંટન ડિ કોકે આ ટૂર્નામેન્ટમાં 4 સદી સાથે 545 રન બનાવ્યા છે. ક્વિંટન ડિ કોકની એવરેજ 77.86 છે. સાથે મિડલ ઓર્ડરમાં રાસી વેન ડેર ડ્યુસેન અને એડન માર્કરમ પણ સદી ફટકારી ચૂક્યા છે. બીજી તરફ ભારતીય પેસરની તીગડી તમામ ટીમને ચોંકાવી રહી છે. જસપ્રીત બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 અને મોહમ્મદ શમીએ 14 વિકેટ લીધી છે. શમી 3 મેચમાં 2 વખત 5 વિકેટ લઈ ચૂક્યો છે.
પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ કોલકાતાની પિચ બેટ્સમેનોને મદદ કરે છે. પિચમાં સારો બાઉન્સ થાય છે. જેના કારણે બોલ સરળતાથી બેટ પર આવે છે. જો કે, ફાસ્ટ બોલરને આ પિચ પર મદદ મળે છે. આ વર્લ્ડકપ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી છે. આ બંને મેચ લો સ્કોરિંગ રહી હતી. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 37 મેચ રમવામાં આવી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની 21 મેચમાં અને પ્રથમ બોલિંગ કરનારી ટીમની 15 મેચમાં જીત થઈ છે. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાસ સ્કોર 240 રન અને બીજી ઈનિંગનો સરેરાસ સ્કોર 201 રન છે.
બંને દેશની સ્ક્વોડ-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, કુલદિપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા
સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા(કેપ્ટન), ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિંટન ડિ કોક, રીઝા હેંડ્રિક્સ, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, કગિસો રબાડા, તરબેઝ શમ્સી, રાસી વેન ડેર ડુસેન