- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ
- સાઉથ આફ્રિકાના કેપટાઉન સ્ટેડિયમમાં મેચ
- પ્રથમ મેચમાં ભારતનો ઈનિંગ અને 32 રને પરાજય
આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ છે. આ સાથે સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. હવે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સિરીઝ ડ્રો કરવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો અહીં રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. અહીં ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4માં હાર થઈ છે અને 2 મેચ ડ્રો રહી છે. એટલે કે તે આજ સુધી કેપટાઉનમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. ભારતીય ટીમ કેપટાઉનમાં પોતાના ખરાબ રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ણાયક મેચમાં પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા છે. આફ્રિકાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતે શાર્દુલ ઠાકુર અને રવિ અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મુકેશ કમારને ટીમમાં સ્થાન આપ્યું છે.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગિડી
પિચ રિપોર્ટ
ન્યુલેન્ડ્સની પિચ પર સારી માત્રામાં ઘાસ છે. સામાન્ય રીતે આટલું ઘાસ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને સારી મદદ મળવાની આશા છે. હવામાન પણ ફાસ્ટ બોલરોને મદદ કરતું જણાય છે. વાસ્તવમાં, મેચ દરમિયાન હળવો પવન ફૂંકાશે, જેના કારણે બોલ વધુ સ્વિંગ થશે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરો ચોક્કસપણે પ્રભુત્વ જમાવશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે.
વેધર રિપોર્ટ
છેલ્લી મેચની જેમ આ વખતે પણ વરસાદ અવરોધરૂપ બનશે નહીં. કેપટાઉનમાં પાંચ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેશે. હળવા અને જોરદાર પવન ફૂંકાતા રહેશે, વાતાવરણ વાદળછાયું રહેશે. પરંતુ તેનાથી મેચમાં કોઈ અડચણ નહીં આવે.


