ભારતે બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં શેફાલી વર્માએ ટીમ ઈન્ડિયા માટે 69 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. તેની ઈનિંગને કારણે ટીમ ઈન્ડિયાએ 129 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો.
શેફાલીએ આ ઈનિંગ 34 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી લગભગ 203 ના સ્ટ્રાઈક રેટથી રમી અને આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ સાથે શેફાલીએ ભારત માટે ટી20I માં સૌથી વધુ POTM એવોર્ડ જીતવાના સંદર્ભમાં સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી છે.
મિતાલી રાજનું નામ ટોપ પર
સ્મૃતિ મંધાનાએ T20Iમાં 7 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ પણ T20I માં 7-7 વખત આ એવોર્ડ જીત્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ આ લિસ્ટમાં ટોપ પર છે, મિતાલી રાજે તેના કરિયરમાં 12 વખત આ એવોર્ડ જીત્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે અત્યાર સુધીમાં 11 વખત આ એવોર્ડ જીત્યો છે. હરમનપ્રીત કૌર પાસે મિતાલી રાજનો રેકોર્ડ તોડવાની તક છે.
T20Iમાં સૌથી વધુ POTM એવોર્ડ જીતનારી ભારતીય મહિલા ખેલાડીઓ
12- મિતાલી રાજ
11- હરમનપ્રીત કૌર
8 – શેફાલી વર્મા
7- સ્મૃતિ મંધાના
7- દીપ્તિ શર્મા
7 – જેમીમા રોડ્રિગ્ઝ
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ શેફાલી વર્માએ શું કહ્યું?
POTM એવોર્ડ જીત્યા પછી શેફાલી વર્માએ કહ્યું કે “શરૂઆતમાં બોલ થોડો ધીમો પડી રહ્યો હતો, તેથી મેં વધુ સિંગલ્સ લેવાનો પ્રયાસ કર્યો. કોચે મને એ પણ કહ્યું કે આવી સ્થિતિમાં કેવી રીતે રમવું. તે મારા માટે સારી ઈનિંગ હતી. મેં આખી ઈનિંગ દરમિયાન મારું મગજ શાંત રાખ્યું, બોલને ખૂબ ઊંચો મારવાનો પ્રયાસ કર્યો નહીં. મને ખબર છે કે જો હું ગ્રાઉન્ડેડ શોટ રમીશ તો પણ હું રન બનાવી શકીશ.”
ભારતે સરળ રીતે મેળવી જીત
બીજી T20 મેચની વાત કરીએ તો શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 128 રન બનાવ્યા અને ભારતને 129 રનનો ટાર્ગેટ આપ્યો. ભારત તરફથી વૈષ્ણવી અને શ્રી ચરણીએ 2-2 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ માત્ર 11.5 ઓવરમાં હાંસલ કરી લીધો. ટીમ ઈન્ડિયા હવે 5 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi આ દિવસે રમશે આગામી મેચ, નિભાવશે મોટી જવાબદારી


