- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં નાણામંત્રીનું મોટું નિવેદન
- “ભારતને છેલ્લા 8-9 વર્ષમાં 595 અરબ ડોલરનું FDI મળ્યું”
- હાલ ભારતમાં 50 કરોડ લોકો પાસે બેંક અકાઉન્ટ: નાણામંત્રી
ભારત 2027-28 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરથી વધુની GDP સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ વાત કહી છે. નાણામંત્રીએ કહ્યું કે હાલમાં 50 કરોડથી વધુ ભારતીયોના બેંક ખાતા છે, જ્યારે 2014માં આ સંખ્યા માત્ર 15 કરોડ હતી. નાણામંત્રીએ કહ્યું છે કે ભારતને છેલ્લા 8-9 વર્ષમાં 595 અરબ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મળ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રૂઢિવાદી અનુમાન મુજબ પણ ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા નાણામંત્રી સીતારમણે કહ્યું, “શક્ય છે કે આપણે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું અને તે સમય સુધીમાં આપણો જીડીપી પાંચ લાખ કરોડ ડૉલરને વટાવી જશે. એક રૂઢિવાદી અનુમાન છે કે વર્ષ 2047 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા 30 લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે.”
નાણામંત્રીએ જણાવ્યું કે હાલ ભારત લગભગ 3.4 લાખ કરોડ ડોલરની GDP સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલ, અમેરિકા, ચીન, જાપાન અને જર્મની દુનિયાની ટોપ 4 અર્થવ્યવસ્થાઓ છે. ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 7.3% ના દરથી આગળ વધવાનું અનુમાન છે જ્યારે ગત નાણાકીય વર્ષમાં GDP દર 7.2 % રહ્યો હતો.
આ તકે સીતારમણે કહ્યું કે ભારતને વર્ષ 2023 સુધીના 23 વર્ષમાં 919 બિલિયનનું ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI) મળ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે આ FDIના 65 ટકા એટલે કે 595 બિલિયન ડોલર નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 8-9 વર્ષના કાર્યકાળ દરમિયાન આવ્યા છે. નાણાકીય સમાવેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ છે જ્યારે 2014માં માત્ર 15 કરોડ લોકો પાસે બેંક ખાતા હતા.


