- ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમથી સાવચેત રહેવું પડશે
- વાનખેડે સ્ટેડિયમમાં મેચનું પરિણામ ટોસ જીતે છે તેની ઉપર રહેશે
- ભારતની બેટિંગ એક મજબૂત યુનિટ તરીકે સ્થાપિત
આઇસીસી વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ લાઇન-અપ નક્કી થઈ ચૂકી છે. પ્રથમ સેમિફાઇનલમાં 15મી નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઇના વાનખેડેમાં તથા બીજી સેમિફાઇનલમાં 16મી નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને વર્તમાન ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી સાઉથ આફ્રિકન ટીમ વચ્ચે મુકાબલો થશે. બંને સેમિફાઇનલ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમથી સાવચેત રહેવું પડશે કારણ કે કિવિ ટીમ 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ટી20 વર્લ્ડ કપમાં તથા આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી ચૂક્યું છે.
વાનખેડેમાં ટોસ જીતો અને બેટિંગ કરો
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચનું પરિણામ લગભગ કોણ ટોસ જીતે છે તેની ઉપર રહેશે. આ મેચમાં જે ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે જે ફાયદામાં રહી છે. જે ટીમે ફિલ્ડિંગ પસંદ કરી હતી તેનો પરાજય થયો હતો. સેમિફાઇનલ પહેલાં ચાર મેચો રમાઈ હતી અને ચારેયમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે જંગી સ્કોર નોંધાવ્યો હતો. જોકે અફઘાનિસ્તાન તથા ઓસ્ટ્રેલિયાની મેચ અપવાદ હતી. અફઘાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ મેક્સવેલની બેવડી સદીના કારણે તેનો પરાજય થયો હતો. વાનખેડેમાં નવો બોલ પાંચથી છ ઓવર સુધી સ્વિંગ કરતો હોય છે પરંતુ ત્યારબાદ પિચ બેટિંગ માટે એકદમ આસાન બની જાય છે.
ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે
ભારતની બેટિંગ એક મજબૂત યુનિટ તરીકે સ્થાપિત થઈ છે. સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રોયસ ઐયર સહિત મોટા ભાગના બેટ્સમેનો ફોર્મમાં છે. કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોરર બન્યો છે. બુમરાહ 17 વિકેટ સાથે ભારત તરફથી બેસ્ટ બોલર બન્યો છે. સ્પિનર કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા મિડલ ઓવર્સમાં ચુસ્ત સ્પેલ નાખીને ટીમને મહત્ત્વપૂર્ણ સફળતા અપાવે છે. પેસ એટેકમાં બુમરાહ, શમી તથા સિરાજ પ્રારંભિક ઓવર્સમાં ઘાતક સ્વિંગ તથા બાઉન્સર સાથે હરીફ બેટ્સમેનોને દબાણ હેઠળ લાવી દે છે. ભારતની ફિલ્ડિંગ પણ ઉચ્ચસ્તરની રહી છે.
ન્યૂઝીલેન્ડનો ટોપ ઓર્ડર મજબૂત છે
ભારતીય મૂળનો કિવિ ખેલાડી રચિન રવીન્દ્ર શાનદાર ફોર્મમાં છે અને તે 565 રન સાથે વર્લ્ડ કપનો ત્રીજો બેસ્ટ બેટસમેન છે. આ ઉપરાંત ડેરિલ મિચેલે 59.71ની એવરેજથી નવ મેચમાં 418 રન બનાવ્યા છે. સુકાની ટોમ લાથામ હજુ અપેક્ષા મુજબની મોટી ઇનિંગ રમી શક્યો નથી. સ્પિનર મિચેલ સાન્તેનરે 4.81ના ઇકોનોમી રેટથી 16 વિકેટ ઝડપીને પોતાની ઉપયોગિતા પુરવાર કરી છે. પેસ બોલર ટ્રેન્ટ બાઉલ્ટે 5.18ના ઇકોનોમી રેટથી 15 વિકેટ હાંસલ કરીને હરીફ ટીમો માટે વારંવાર મુશ્કેલીઓ સર્જી હતી. કેન વિલિયમ્સન ફિટ થયો છે અને તેણે બંને મેચમાં અડધી સદી ફટકારીને કિવિની બેટિંગને વધારે મજબૂત બનાવી છે.


