-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ૨૦૧૭થી ૨૦૨૩ની તુલનાએ ૨૦૨૪-૩૦ની વચ્ચે બમણો થઈને રૂ.૧૪૩ લાખ કરોડ થશે
Updated: Oct 19th, 2023
નવી દિલ્હી : ભારત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૯-૩૦ વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અંદાજે રૂ. ૧૪૩ લાખ કરોડનો ખર્ચ કરશે. આ અંદાજ આપતાં રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું કે આ રકમ છેલ્લા સાત નાણાકીય વર્ષો (૨૦૧૭-૨૩)માં ખર્ચવામાં આવેલા રૂ. ૬૭ લાખ કરોડ કરતાં બમણી છે. આ સમયગાળા દરમિયાન, ગ્રીન પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ વધારશે. કુલ રૂ. ૩૬.૬ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે, જે ૨૦૧૭-૨૦૨૩ કરતાં પાંચ ગણું છે.
ક્રિસિલે તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર યરબુક ૨૦૨૩માં જણાવ્યું હતું કે, ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ૨૦૧૭થી ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪-૩૦ની વચ્ચે બમણો થઈને ૧૪૩ લાખ કરોડ રૂપિયા થશે. આ સમયગાળા દરમિયાન, ગ્રીન પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. ૩૬.૬ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે, જે ૨૦૧૭-૨૦૨૩ કરતાં પાંચ ગણું છે.
એજન્સીને અપેક્ષા છે કે નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ભારતનો જીડીપી સરેરાશ ૬.૭ ટકાના દરે વૃદ્ધિ પામશે અને તે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હશે. નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં માથાદીઠ આવક વર્તમાન ૨,૫૦૦ ડોલરથી વધીને ૪,૫૦૦ ડોલર થશે. જેનાથી ભારત મધ્યમ આવક ધરાવતો દેશ બનશે.
નીતિગત હસ્તક્ષેપ અને અનુકૂળ રોકાણ વાતાવરણની મદદથી તમામ ક્ષેત્રોમાં ‘ક્રિસિલ ઇન્ફ્રાઇનવેક્સ’ સ્કોર્સમાં વધારો થયો છે. એજન્સીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યરબુકમાં નવા રાષ્ટ્રીય ઈન્ડેક્સ ‘CRISIL InfraInvex’નો સમાવેશ કર્યો છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સડકો અને ધોરીમાર્ગો, પાવર ટ્રાન્સમિશન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ સેક્ટરનો એકંદર સ્કોર ૧૦માંથી ૭ કરતાં વધુ છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારા અને વૃદ્ધિની ગતિ દર્શાવે છે.