- બીજી ટી20 : ભારતે અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું, શ્રોણીમાં 2-0ની લીડ મેળવી
- અફઘાનિસ્તાન 172, ભારત 4/173, જયસ્વાલ 68, શિવમ દુબે અણનમ 63
- હોમગ્રાઉન્ડમાં સતત 15 સિરીઝ સુધી અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ પણ અકબંધ
અફઘાનિસ્તાન સામેની બીજી ટી20 મેચમાં છ વિકેટે વિજય હાંસલ કરીને ભારતે ત્રણ મેચની શ્રોણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી. આ સાથે ભારતે ઘરઆંગણે સતત છઠ્ઠી ટી20 શ્રોણી જીતી છે. આ ઉપરાંત હોમગ્રાઉન્ડમાં સતત 15 સિરીઝ સુધી અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ પણ અકબંધ રહ્યો છે. ભારત છેલ્લે 2019ના ફેબ્રુઆરીમાં ઘરઆંગણે શ્રોણી હાર્યું હતું. ત્યારબાદ રમાયેલી 15 શ્રોણીમાં બે ડ્રો રહી હતી અને 13 ભારતના નામે રહી છે. સાઉથ આફ્રિકા સામેની બંને શ્રોણી ડ્રો રહી હતી. બીજી મેચમાં અફઘાનિસ્તાનની પૂરી ટીમ 172 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. અર્શદીપે ત્રણ તથા અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. ભારતે 15.4 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે 68 તથા શિવમ દુબેએ અણનમ 63 રન બનાવ્યા હતા.


