- ફ્લોરિડામાં એક સિંગલ-એન્જિન એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત
- ભારતીય અમેરિકન પાયલોટ જેમિન પટેલનું પ્લેન ક્રેશમાં મોત
- દુર્ઘટના પહેલા એન્જિનમાં સર્જાઇ હતી ટેકનિકલ ખામી
અમેરિકાના ફ્લોરિડામાં એક સિંગલ-એન્જિન એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ ઘટનામાં ભારતીય પાયલોટ જેમિન પટેલ સહિત 3 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ એક મીની પ્લેન હતું. તેમાં વધારે લોકો સવાર ન હતા. એક મોબાઈલ હોમ સાથે ટક્કર બાદ આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં પાઈલોટ સહિત ઘરમાં હાજર 2 લોકોનું મોત થયું. ઘટના ફ્લોરિડાના ક્લિયરવોટર ટેલર પાર્કની છે.
દુર્ઘટના પહેલા એન્જિનમાં થઈ હતી ટેકનિકલ ખરાબી
ફ્લોરિડાના ટેલર પાર્કમાં જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે એક સિંગલ-એન્જિન એરક્રાફ્ટ બીચક્રાફ્ટ બોનાન્ઝા V35 હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેની થોડીવાર પહેલા પાયલોટે એન્જિનમાં ખરાબી હોવાની સૂચના આપી હતી.
દુર્ઘટનાનો વિડીયો વાયરલ
એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું કે સેંટ પીટ-ક્લિયરવોટર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વેથી લગભગ ત્રણ માઈલ ઉત્તરમાં પ્લેન રડારમાંથી ગાયબ થતાં પહેલા પાયલોટે ઇમરજન્સીનું એલર્ટ આપ્યું હતું. સોશિયલ મીડિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ વિમાનનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે દુર્ઘટના બાદ કેવી રીતે વિમાન ભડભડ સળગી રહ્યું છે. આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા છવાઈ ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ
એર ટ્રાફિક કંટ્રોલે પાયલોટને ગાયબ થતા પહેલા મે ડેની જાહેરાત કરતા સાંભળ્યો હતો. એરક્રાફ્ટ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં આગના સમાચાર મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ રીતે આગ પર કાબુ મેળવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશની આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય અનુસાર 19:08 વાગ્યે બની હતી.


