- ઉઝબેક સશસ્ત્ર દળ એકેડમી ખાતે હાઈટેક લેબનું ઉદ્ઘાટન
- ઉઝબેકિસ્તાનના સેના પ્રમુખ સાથે રક્ષા ક્ષેત્રને લઈને ચર્ચા
- યુરેશિયા સહાય દ્વારા આઇટી લેબ માટે 8.5 કરોડ ફાળવાયા
ભારતના સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે 15થી 18 એપ્રિલ દરમિયાન ઉઝબેકિસ્તાનની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ઉઝબેક સશસ્ત્ર દળ એકેડમી ખાતે હાઈટેક આઇટી લેબોરેટરીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
વાસ્તવમાં, ભારત અને ઉઝબેકિસ્તાન પોતાના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ જ પ્રયાસના ભાગરૂપે બંને દેશોના સેના પ્રમુખો વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને સેના પ્રમુખો વચ્ચે જુદા જુદા વિષયોને લઈને ચરચર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે રક્ષા મંત્રીઓની બેઠક બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે રક્ષા મંત્રીઓની બેઠકમાં આઈટી લેબની સ્થાપના પર ચર્ચા થઈ હતી. આ યોજનાને 2019માં મંજૂરી આપવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયની યુરેશિયા સહાય દ્વારા આઇટી લેબ માટે રકમ મંજૂર કરવામાં આવી હતી. લેબની સ્થાપના માટે રૂ.6.5 કરોડથી વધુની બજેટ દરખાસ્ત મોકલવામાં આવી હતી. બાદમાં આ માટે 8.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ લેબ બનાવવાનો કોન્ટ્રાક્ટ એક ભારતીય ફર્મને મળ્યો હતો. તે સમયસર પૂર્ણ થયું.


