- રાજસિંહ ઉર્ફે ગોલ્ડી ગુરુદ્વારામાં કીર્તન કરવા ગયા હતા
- અમેરિકામાં ભારતીય મૂળના લોકોનાં મોતનો સીલસીલો યથાવત્
- મૃતક કલાકારના પરિવારમાં માતા, બે બહેનો અને એક ભાઈ છે
અમેરિકામાં ભારતીય મૂળના લોકોનાં મોતના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અમેરિકામાં એક દિવસ પહેલા એક કીર્તન જૂથનો ભાગ બનેલા એક શીખ સંગીત કલાકારની અલાબામામાં ગુરુદ્વારાની બહાર સશસ્ત્ર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગુરૂદ્વારાની બહાર બદમાશોએ ગોળીઓ ચલાવી
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના ટાંડા સાહુવાલા ગામનો રહેવાસી રાજસિંહ ઉર્ફે ગોલ્ડી ગુરુદ્વારામાં કીર્તન કરવા ગયો હતો. તે છેલ્લા દોઢ વર્ષથી આ ગૃપ સાથે અમેરિકામાં હતો. પોતાના જૂથ સાથે કીર્તન કર્યા પછી, ગોલ્ડી ગુરુદ્વારાની બહાર ઊભો હતો ત્યારે અજાણ્યા બદમાશોએ તેને ગોળી મારી દીધી.
તે વ્યક્તિ પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી
ગોલ્ડી તેના પરિવારમાં સૌથી મોટો અને એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના પિતા ધીરેસિંહનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની માતા, બે બહેનો અને એક નાનો ભાઈ છે. પરિવારે સરકારને વિનંતી કરી છે કે તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ઘરે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
ઈન્ડિયાનામાં ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો
ગયા મહિનાની શરૂઆતમાં, ઇન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી આવી હતી. આ કેસમાં અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેને માથામાં ગોળી વાગી છે. પરડ્યુ યુનિવર્સિટીની માહિતી અનુસાર, સમીર કામથ 5 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યે મૃત હાલતમાં મળી આવ્યો હતો.


