– નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પહેલા છ મહિનામાં ભારતે લગભગ ૬૩.૮૬ અબજ ડોલરના ક્રૂડ ઓઈલની આયાત કરી
Updated: Nov 10th, 2023
અમદાવાદ : નાટોમાં સભ્યપદ મેળવવા માટેની જીદને કારણે રશિયા-યુક્રેન વચ્ચે વણસેલા સંબંધો અંતે યુદ્ધમાં પરિણમ્યા અને આ યુદ્ધનો લગભગ સૌથી મોટો આર્થિક ફાયદો ભારતને મળ્યો છે. દુનિયાના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર દેશને સસ્તા દરે રશિયા દ્વારા ઓફર થયેલા ક્રૂડથી બખ્ખે-બખ્ખાં થયા છે. અહેવાલ અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ છ મહિનામાં ભારતીય ઓઇલ રિફાઇનિંગ કંપનીઓએ રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત કરીને ૨.૭ અબજ ડોલરની(રૂ.૨૭.૦૦૦ કરોડ) બચત કરી છે.
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની કુલ જરૂરતના ૮૫ ટકાથી વધુ ક્ડ ઓઈલ આયાત કરે છે. ભારત સરકારના ટ્રેડ ડેટાના આધારે મેળવેલ આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પહેલા છ મહિનામાં ભારતે લગભગ ૬૩.૮૬ અબજ ડોલરના ક્રૂડ ઓઈલની આયાત કરી હતી.
ભારત રશિયા પાસેથી આયાત કરેલા ક્રૂડ ઓઈલ જો અન્ય કોઈ દેશથી આયાત કરવામાં આવ્યું હોત તો ભારતે તેના માટે અંદાજે ૬૭.૧૪ અબજ ડોલર ચૂકવવા પડયા હોત.
જથ્થાની વાત કરીએ તો ભારતે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે રશિયા પાસેથી કુલ ૮૦ કરોડ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે ભારતે રશિયા પાસેથી લગભગ ૨૨.૮૪ અબજ ડોલરનું તેલ આયાત કર્યું, જ્યારે જથ્થાની વાત કરીએ તો ભારતે રશિયા પાસેથી ૩૧.૭૯ કરોડ બેરલ તેલની આયાત કરી છે.
રિપોર્ટ અનુસાર ભારતીય રિફાઇનર્સે રશિયન ઓઈલ માટે સરેરાશ ૭૧.૮૩ ડોલર પ્રતિ બેરલ ચૂકવ્યા હતા, જે લગભગ ૧૨ ટકા ડિસ્કાઉન્ટ પર છે. અન્ય દેશોમાંથી આયાત કરાયેલા ક્રૂડ ઓઈલની કિંમત કરતાં આ ભાવ બેરલ દીઠ ૧૦.૩૨ ડોલર ઓછી છે એટલે કે, ભારતીય ઓઈલ રિફાઈનિંગ કંપનીઓને રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતમાં સરેરાશ ૧૨.૬ ટકા પ્રતિ બેરલ ડિસ્કાઉન્ટ મળ્યું છે.