– જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૬૪,૦૯૭ ઈલેક્ટ્રિક કાર વેચાઈ જ્યારે હાઈબ્રિડ કારનું વેચાણ ૨,૬૬,૪૬૫ યુનિટ રહ્યું
Updated: Oct 18th, 2023
અમદાવાદ : આજની સભાન સમજદાર સમાજ વ્યવસ્થામાં ભારતમાં પણ પર્યાવરણ ફ્રેન્ડલી પરિવહન તરફ ગ્રાહકોનો ઝોક વધી રહ્યો છે. ભારતીય ગ્રાહકોની પ્રથમ પસંદગી ઇલેક્ટ્રિક કાર નહીં પરંતુ હાઇબ્રિડ કાર છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના વાહન ડેશબોર્ડ ડેટા અનુસાર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૬૪,૦૯૭ ઈલેક્ટ્રિક કાર વેચાઈ છે, પરંતુ હાઈબ્રિડ કારનું વેચાણ ૨,૬૬,૪૬૫ યુનિટ રહ્યું છે એટલેકે વેચાણ ૪.૧૫ ગણું વધુ છે. ૨૦૨૨માં વેચાયેલી કુલ ૪૧ લાખ કારમાંથી હાઇબ્રિડ કાર ૪.૪૨ ટકા હતી, જે આ વર્ષે વધીને ૭.૨ ટકા થઈ ગઈ છે.
મારુતિ સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર મોટર, હોન્ડા કાર્સ ઈન્ડિયા, લેક્સસ ઈન્ડિયા જેવી કંપનીઓના મોડલોના જોરે હાઈબ્રિડ કારના વેચાણમાં વધારો થયો છે. હાઇબ્રિડ વાહનોને ત્રણ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યા છે – માઈલ્ડ/હળવા હાઇબ્રિડ, સ્ટ્રોંગ/મજબૂત હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન. હાલમાં હાઇબ્રિડ વાહનોના કુલ વેચાણમાં હળવા હાઇબ્રિડનો હિસ્સો ૯૦ ટકાથી વધુ છે પરંતુ ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જો કંપનીઓ સ્ટ્રોંગ હાઇબ્રિડ કેટેગરીમાં વધુ મોડલ લોન્ચ કરશે તો તેની બજાર સ્થિતિ પણ બદલાઈ જશે.
માઈલ્ડ હાઇબ્રિડ કારમાં ૪૮-વોલ્ટની કોમ્પેક્ટ બેટરી અને ઇલેક્ટ્રિક મોટર છે, જેના કારણે કારનું પેટ્રોલ એન્જિન વધુ સારું પ્રદર્શન કરે છે. આ કાર પેટ્રોલ એન્જિન પર ચાલે છે પરંતુ તે બેટરી દ્વારા અલગથી સપોર્ટ કરે છે. આ બાબત કારને ઈકોનોમિક બનાવે છે.
તેનાથી વિપરીત સ્ટ્રોંગ હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિન સાથે ૧ કિલોવોટ હવર ઇલેક્ટ્રિક મોટર છે. પેટ્રોલ એન્જિન માત્ર વાહનને પાવર જ નથી કરતું પરંતુ બેટરીને પણ રિચાર્જ કરે છે. એકવાર બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી ઇલેક્ટ્રિક મોટર જાતે જ વાહનને અમુક અંતર સુધી ખેંચે છે.