- ભારતીય-અમેરિકન દંપતી પર દુકાન પર બળજબરીથી કામ કરાવવાનો આરોપ
- વર્જીનિયાની ફેડરલ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા અને 2,50,000 ડોલરનો દંડ
- કેશિયરની સાથે, રસોઈ, સાફસફાઇ, દુકાનની દેખરેખનું પણ કામ કરાવતું દંપત્તિ
અમેરિકાના વર્જિનિયામાં એક ભારતીય-અમેરિકન દંપતીને તેમની દુકાનો પર બળજબરીથી મજૂરી કરાવવાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હરમનપ્રીત સિંહ (30) અને કુલબીર કૌર (43) પર વર્જીનિયાની ફેડરલ કોર્ટમાં થયેલા કેસમાં દૂરના ભાઈને ગેસ સ્ટેશન અને કરિયાણાની દુકાનમાં કામ કરવા દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે દંપતીએ શખ્સને માત્ર કેશિયર તરીકે કામ કરાવ્યું જ નહીં, પરંતુ તેને ખોરાક રાંધવા, સફાઈ કરવા અને દુકાનોમાં વેચાણનો હિસાબ રાખવાનું પણ કામ કરાવતા હતા.
આ કેસમાં દોષિત સાબિત થયા બાદ હવે દંપતીને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 5 વર્ષ બાદ પણ તેમના પર નજર રાખવામાં આવશે. દંપતી પર 2,50,000 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
પ્રોસિક્યુશન તરફથી આસિસ્ટન્ટ એટર્ની જનરલ ક્રિસ્ટન ક્લાર્કે જણાવ્યું હતું કે દંપતીએ યુવકને અમેરિકામાં સ્કૂલે મોકલવાનું ખોટું વચન આપ્યું હતું. પરંતુ તેઓએ શાળાએ ન જવા દઈને પીડિતનો વિશ્વાસ તોડ્યો હતો. આ સિવાય પીડિતને શારીરિક અને માનસિક શોષણનો પણ શિકાર બનાવવામાં આવ્યો હતો. અને તે પણ એટલા માટે કે કપલ યુવક પાસેથી દરેક પ્રકારનો લાભ લઈ શકે.
હરમનપ્રીત અને કુલબીર પીડિતાના ઈમિગ્રેશન દસ્તાવેજો જપ્ત કરવા અને તેના પર વારંવાર હુમલો કરવા બદલ પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા. એવું નોંધવામાં આવે છે કે દંપતીએ પીડિતની જીવનશૈલી ખરાબ કરી દીધી હતી અને ઓછા પગાર માટે તેણીને લાંબા કલાકો સુધી કામ કરાવ્યું હતું. ફરિયાદ પક્ષે કહ્યું કે બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી એ ધિક્કારપાત્ર અપરાધો છે જેને સમાજમાં કોઈ સ્થાન નથી.


