- ભારતીય નેવીએ એક જહાજને હિંદ મહાસાગરમાં ચાંચિયાઓના કબ્જામાંથી મુક્ત કરાવ્યું
- સોમાલિયન ચાંચિયાઓ આ જહાજને હાઈજેક કર્યું હતું
- જહાજ પર સવાર પાકિસ્તાની ક્રૂ સભ્યોએ ભારતના ભરપેટ વખાણ કર્યા
ભારતીય નેવીના કમાન્ડો હિંદ મહાસાગરમાં દરિયાઈ ચાંચિયાનો કાળ બન્યા છે. બુધવારે સોમાલિયન ચાંચિયાએ હાઈજેક કરેલા એક જહાજનું રૅસ્ક્યૂ કરાયું હતું. આ જહાજ ઈરાનના ઝંડાવાળું છે. જેની પર 19 પાકિસ્તાન ક્રૂ સભ્યો સવાર હતા. ભારતીય નેવીએ જહાજને બચાવનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં પાકિસ્તાની-ઈરાની ક્રૂએ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ભારતીય નેવીને જોઈ ચાંચિયાઓએ પોતાના હથિયાર ફેંકી દીધા હતા. તેઓએ જણાવ્યું કે ભારતીય નેવીને જોઈને સોમાલિયન ચાંચિયા ડરી ગયા હતા.
ભારતીય નેવીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ તમામ દરિયાઈ ખતરા સામે સુરક્ષા પુરી પાડે છે. અમારો સમુદ્ર તમામ દેશના નાવિકો માટે સલામત બની રહ્યું છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ બુધવારે સોમાલિયાના પૂર્વ તટ પર અપહ્યક માછીમારોને લઈ જતા જહાજ અને તેના 19 પાકિસ્તાની સભ્યોને બચાવ્યા હતા. 36 કલાકની અંદર સોમાલિયન ચાંચિયાની લૂંટની બીજી ઘટના નિષ્ફળ ગઈ હતી. ભારતીય નેવીએ શ્રીલંકાના ત્રીજા હાઈજેક જહાજને રોકવામાં પણ મદદ કરી હતી.
વિદેશપ્રધાન જયશંકરે શું કહ્યું?
તાજેતરના સમયમાં, ભારતીય નૌકાદળે એવા જહાજોને બચાવ્યા છે જેઓ ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યા હતા અથવા ડ્રોન હુમલાનો ભોગ બન્યા હતા. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘વધુ ક્ષમતા, આપણા પોતાના હિતો અને પ્રતિષ્ઠા આજે ખાતરી આપે છે કે અમે મુશ્કેલ સંજોગોમાં આ પ્રદેશને ખરેખર મદદ કરીએ છીએ.’ છેલ્લા કેટલાક મહિનામાં યેમેની અને સોમાલી ચાંચિયાઓ દ્વારા હુમલામાં વધારો થયો છે, જે યુરોપ અને એશિયા વચ્ચેના દરિયાઈ વેપારને અવરોધે છે.
અગાઉ પણ જહાજને બચાવી લેવામાં આવ્યું હતું
યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં ઈઝરાયેલના જહાજો પર હુમલો કરી રહ્યા છે. ભારતે જહાજોની સુરક્ષા માટે અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં અનેક યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. ભારતીય નૌકાદળનું પેટ્રોલિંગ જહાજ INS સુમિત્રા એડનની ખાડીમાં તૈનાત છે, જે ચાંચિયાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે, તેણે હાઇજેક કરાયેલ ઇરાની-ધ્વજવાળા માછીમારી જહાજ ઇમાનને અટકાવ્યું હતું. જેના કારણે 17 ઈરાની ક્રૂને સુરક્ષિત મુક્ત કરવામાં આવ્યા હતા.


