- મંગળવારે ખૂબ જ ખરાબ રીતે હાર મળ્યા બાદ નિક્કીનો નિર્ણય: સૂત્રો
- નિક્કી હેલીની પીછેહઠથી ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારી વધુ મજબૂત થશે
- પ્રાઇમરી ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી રહી છે સતત જીત
રિપબ્લિકન પાર્ટી માંથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનવાની રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપતા ભારતવંશી નિક્કી હેલી પોતાનું ચૂંટણી અભિયાન રોકી શકે છે. મંગળવારે ખૂબ જ ખરાબ રીતે હાર મળ્યા બાદ નિક્કી હેલીના નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાંથી નિક્કી હેલી પોતાનું નામ પાછું ખેંચી શકે છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સામે રિપબ્લિકન પાર્ટી માંથી ઉમેદવાર બનવાની રેસમાં નિક્કી હેલી એકમાત્ર પ્રતિદ્વંદ્વી છે.
રાષ્ટ્રપતિ ઉમેદવારની રેસમાં નિક્કી હેલીની પીછેહઠ
સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હેલીએ આ નિર્ણયની પુષ્ટિ કરી છે. જોકે, સૂત્રોએ કહ્યું છે કે હેલી ટ્રમ્પને સમર્થન કરવા અંગે કોઈ વિચાર નથી કરી રહ્યા. તેના બદલે હેલી ઉદરવાદી રિપબ્લિકન અને સ્વતંત્ર મતદાતાઓના ગઠબંધનનું સમર્થન મેળવવા પ્રોત્સાહિત કરશે. જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2023માં રિપબ્લિકન પાર્ટી માંથી રાષ્ટ્રપતિ બનવાની રેસમાં ટ્રમ્પની સામે નિક્કી હેલી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિક્કી હેલીના પાછળ હટવાની ચર્ચાઓ બાદ ટ્રમ્પનું રિપબ્લિકન પાર્ટી માંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે એકવાર ફરી ડેમોક્રેટિક પાર્ટી માંથી જો બાઈડેન અને રિપબ્લિકન પાર્ટી માંથી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરી એકવાર ટક્કર થવાની સંભાવના છે.
રિપબ્લિકન પાર્ટીના સમર્થકો એકજુટ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે એલાન કર્યું હતું કે રિપબ્લિકન પાર્ટીના તમામ સમર્થકો તેમની પાછળ એકજુટ થયા છે, પરંતુ થોડા સમય બાદ એક નિવેદનમાં હેલીના પ્રવક્તા ઓલિવિયા પેરેઝ-ક્યુબાસે નિવેદન આપતા જણાવ્યું હતું કે “એક થયાનો માત્ર દાવો કરવાથી એકતા હાંસલ નથી થતી” પેરેઝ ક્યુબાસે કહ્યું કે આજે એક પછી એક રાજ્યમાં રિપબ્લિકન પ્રાઇમરી મતદારોનો મોટો સમૂહ ઊભો થઈ રહ્યો છે જે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી રહ્યો છે.


