- ભારતીય મૂળના મોટેલના માલિકની થઈ હત્યા
- મોટેલમાં રૂમના ભાડાને લઈને થયો હતો ઝડગો
- હત્યારાને શેફિલ્ડ પોલીસે ઝડપીને જેલ ભેગો કર્યો
76 વર્ષીય ભારતીય મૂળના હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે અમેરિકાના અલાબામામાં એક રૂમના ભાડા અંગેના વિવાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિલિયમ જેરેમી મૂર નામના 34 વર્ષના યુવકની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ પ્રમુખ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તુરંત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક નિર્જન મકાનમાં છુપાવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે, મૂર મોટેલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો. આ દરમિયાન પ્રવીણ રાવજીભાઈ પટેલ અને મૂર વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે મૂરે પિસ્તોલ કાઢી અને વૃદ્ધને ગોળી મારી દીધી. જણાવી દઈએ કે, રસ્તાની બાજુમાં પ્રવાસીઓના ટૂંકા આરામ અને રોકાણ માટે પ્રમાણમાં નાની હોટલને મોટેલ કહેવામાં આવે છે. મૂરે 8 ફેબ્રુઆરીએ હોટલનો એક રૂમ ભાડે લેવા માગતો હતો. પટેલ સાથે ભાડા બાબતે ઝઘડો થયો હતો.
અમેરિકન ભારતીય મૂળના વૃદ્ધની ગોળી મારી હત્યા
પોલીસે જણાવ્યું કે હત્યામાં વપરાયેલી પિસ્તોલ પણ આરોપી પાસેથી મળી આવી છે. વોરંટ જાહેર ન થાય ત્યાં સુધી મૂરને હાલમાં શેફિલ્ડ સિટી જેલમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ, તેને કોલબર્ટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ 12 ફેબ્રુઆરીના રોજ પ્રવીણ રાવજીભાઈ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી યુવકની કરી ધરપકડ
આ મામલે એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) એ ગુરુવારે જણાવ્યું છે કે દેશના એક હોટલ માલિકની હત્યા અત્યંત આઘાતજનક છે. તાજેતરમાં, કેરળના એક ભારતીય-અમેરિકન દંપતી અને તેમના ચાર વર્ષના જોડિયા બાળકો સોમવારે કેલિફોર્નિયા રાજ્યના સેન મેટો મૃત હાલતમાં મળી આવ્યા હતા.


