- એલિઝાબેથ -IIની હત્યાનું કાવતરું ઘડવા બદલ 9 વર્ષની સજા
- બ્રિટનની એક અદાલતે જસવંત સિંહ ચૈલને ફટકારી
- જસવંત સિંહની ઉંમર 21 વર્ષ જણાવવામાં આવી છે
પોલીસ અધિકારીઓએ જોયુ હતું કે એક વ્યક્તિ હાથમાં ધનુષ-બાણ લઈને ક્વીન એલિઝાબેથ- IIના મહેલના ગાર્ડનમાં ઉભો હતો. તેણે અધિકારીઓને જણાવ્યું હતું કે મહારાણીની હત્યા કરવામાં આવી છે. જાણો શું છે સમગ્ર મામલો
ભારતીય મૂળની વ્યક્તિને સજા ફટકારી
બ્રિટનની એક અદાલતે જસવંત સિંહ ચૈલ નામના શીખ યુવકને બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ -IIની હત્યાનું કાવતરું ઘડવા બદલ 9 વર્ષની જેલની સજા ફટકારી છે. જસવંત સિંહની ઉંમર 21 વર્ષ જણાવવામાં આવી છે. કોર્ટે જસવંત સિંહ ચૈલના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સજા આપી છે. લંડનની ઓલ્ડ બેલી કોર્ટમાં સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ નિકોલસ હિલિયર્ડે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી ચૈલને બર્કશાયરની ઉચ્ચ સુરક્ષા ધરાવતી માનસિક હોસ્પિટલ, બ્રોડમૂર હોસ્પિટલમાં રાખવામાં આવે. આ પછી તેને કસ્ટડીમાં રાખવામાં આવશે.
ધનુષ અને તીર વડે મારવાનો પ્રયાસ
25 ડિસેમ્બર, 2021 ની સવારે, રાણી એલિઝાબેથ વિન્ડસર કેસલ ખાતેના તેના ખાનગી એપાર્ટમેન્ટમાં હતા. ત્યારે બે અધિકારીઓએ કોઈને જોયો અને તેની પાસે પહોંચી ગયા. પોલીસ અધિકારીઓએ જોયું કે એક યુવક હાથમાં ધનુષ અને તીર લઈને ઊભો હતો. તેણે અધિકારીઓને કહ્યું કે તે રાણીને મારવા આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસવંત સિંહ ચૈલે ‘સ્ટાર વોર્સ’ સિરીઝથી પ્રેરિત થઈને હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
હોલીવુડની ફિલ્મથી પ્રભાવિત થઈ કાવતરું ઘડયું
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જસવંત સિંહ ચૈલે જણાવ્યું કે, પંજાબના અમૃતસરમાં 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે તેણે આ કર્યું. સજાના આદેશ પાછળના તેમના તર્કને સમજાવતા, ન્યાયાધીશે કહ્યું, “આ કૃત્યની કલ્પના 2021 માં કરવામાં આવી હતી, જ્યારે તે (જસવંત સિંહ ચૈલ) માનસિક રીતે સ્વસ્થ હતો.”
ન્યાયાધીશે કહ્યું કે જસવંત સિંહે હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના માટે તેને સજા આપવી જરૂરી છે. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે જસવંત સિંહ ચૈલ 2018માં પરિવાર સાથે અમૃતસર ગયા હતા અને ત્યાં તેમને જલિયાવાલા બાગ હત્યાકાંડની જાણ થઈ. તે પછી જ તેણે રાણી એલિઝાબેથ- IIની હત્યા કરવાનું વિચાર્યું.
રાજા ચાર્લ્સની માફી માંગી
નોંધનીય છે કે રાણી એલિઝાબેથ- નું સપ્ટેમ્બર 2022માં 96 વર્ષની વયે અવસાન થયું હતું. ગયા મહિને જસવંત સિંહે એક પત્ર દ્વારા રાજવી પરિવાર અને રાજા ચાર્લ્સ IIIની માફી માંગી હતી. કોર્ટ રિપોર્ટ અનુસાર જસવંત સિંહ સારા પરિવારમાંથી આવે છે. તેના પિતા એરોસ્પેસમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ છે, તેની માતા શિક્ષક છે અને તેની જોડિયા બહેનો હાલમાં અભ્યાસ કરી રહી છે.