- મેક્સિકો ભારત પછી બીજા ક્રમે છે જેણે 2022માં સૌથી વધુ રેમિટન્સ મેળવ્યું હતું
- ચીન, ફ્રાન્સ અને ફિલિપાઈન્સ પણ ટોપ ફાઈવમાં છે
- પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ ટોપ 10માં છે
વિદેશથી ઘરે પૈસા મોકલનારાઓમાં ભારતીયો ટોચ પર છે. આંકડાઓ રજૂ કરતા સંયુક્ત રાષ્ટ્રની સ્થળાંતર એજન્સીએ કહ્યું કે, વર્ષ 2022માં અન્ય દેશોમાંથી 111 અબજ ડોલર ભારતમાં મોકલવામાં આવ્યા છે અને આ આંકડો વિશ્વના અન્ય કોઈ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. 111 બિલિયન ડોલરના રેમિટન્સ સાથે, ભારત 100 બિલિયન ડોલરનો આંકડો પાર કરનારો પહેલો દેશ બન્યો છે, જ્યાં એક વર્ષમાં આટલી મોટી રકમ વિદેશથી મોકલવામાં આવી છે. અન્ય દેશોમાં લગભગ 20 મિલિયન બિન-નિવાસી ભારતીયો રહે છે, જેઓ દર વર્ષે તેમના પરિવારોને અબજો ડોલર મોકલે છે, જેને રેમિટન્સ કહેવામાં આવે છે.
માઈગ્રેશન રિપોર્ટ જાહેર
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)ગઈકાલે 2024નો વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે ભારત, મેક્સિકો, ચીન, ફિલિપાઇન્સ અને ફ્રાન્સ સૌથી વધુ રેમિટન્સ મેળવનારા ટોચના પાંચ દેશો છે. આ સાથે જ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ટોપ 10ની યાદીમાં સામેલ છે. આ સંદર્ભમાં, સૌથી વધુ રેમિટન્સ મેળવનારા 10 દેશોની યાદીમાં ચાર એશિયન દેશો છે.
સૌથી વધુ રેમિટન્સ મેળવતા ટોચના 10 દેશોમાં 4 એશિયાના છે
રિપોર્ટ અનુસાર, વર્ષ 2010માં ભારતમાં 53.48 બિલિયન ડોલર રેમિટન્સ તરીકે આવ્યા હતા. એનઆરઆઈએ 2015માં $68.19 બિલિયન અને 2020માં $83.15 બિલિયન તેમના પરિવારોને મોકલ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ એશિયામાં સ્થળાંતરિત કામદારોની સૌથી વધુ સંખ્યા છે, તેથી તે સમગ્ર વિશ્વમાં રેમિટન્સ મેળવવામાં સૌથી આગળ છે. પાકિસ્તાનને $30 બિલિયન અને બાંગ્લાદેશને $21.5 બિલિયન રેમિટન્સ તરીકે મળ્યા છે.
આ રૂપિયા જીવનરેખા સમાન છે
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદેશમાં કામ કરતા પરપ્રાંતિય કામદારો દ્વારા મોકલવામાં આવતા પૈસા ઘણા લોકો માટે જીવનરેખા છે, પરંતુ અહીં અસંખ્ય સ્થળાંતર કામદારો નાણાકીય કટોકટી સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થળાંતર ખર્ચને કારણે તેમના પર આર્થિક બોજ વધે છે. કામ પર હોય ત્યારે કામના સ્થળે ગેરવર્તન અને ઝેનોફોબિયા જેવી બાબતોનો સામનો કરવો પડે છે. ઝેનોફોબિયા એટલે વિદેશીઓને નાપસંદ.
ભારતના મોટાભાગના નાગરિકો વિદેશમાં રહે છે
અન્ય દેશોમાં ભણવા અને કામ કરવા જતા લોકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. વિશ્વમાં સૌથી વધુ સ્થળાંતર કરનારાઓની સંખ્યા ભારતમાં છે. લગભગ 1 કરોડ 80 લાખ ભારતીયો વિદેશમાં રહે છે. આ દેશની કુલ વસ્તીના 1.3 ટકા છે, જેમાંથી મોટા ભાગના લોકો સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ સ્ટેટ્સ અને સાઉદી અરેબિયામાં રહે છે.
મોટાભાગના માઈગ્રન્ટસ ગલ્ફ દેશોમાં જાય છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરના દેશોમાંથી મોટાભાગના લોકો ગલ્ફ દેશોમાં જાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોની કુલ વસ્તીમાં સ્થળાંતર કરનારાઓનો હિસ્સો હજુ પણ ઊંચો છે. યુએઈમાં તે 88 ટકા, કુવૈતમાં 73 ટકા અને કતારમાં 77 ટકા છે. દેશમાં આવતા વિદેશી નાગરિકોની બાબતમાં ભારત 13માં સ્થાને છે. અહીં 44 લાખ 80 હજાર પ્રવાસીઓ રહે છે.
મોટાભાગના લોકો અભ્યાસ માટે અમેરિકા જાય છે
વિશ્વભરમાંથી મોટાભાગના બાળકો અમેરિકામાં અભ્યાસ કરવા જાય છે. વર્ષ 2021માં 8 લાખ 33 હજાર પ્રવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા હતા. 6,01,000 વિદ્યાર્થીઓ યુનાઇટેડ કિંગડમમાં, 3,78,000 ઓસ્ટ્રેલિયામાં, 3,76,000 જર્મનીમાં અને 3,18,000 કેનેડામાં ભણવા ગયા હતા. તે જ સમયે, અભ્યાસ માટે વિદેશ જતા લોકોની સૌથી વધુ સંખ્યા ચીનની છે અને ભારત બીજા સ્થાને છે. વર્ષ 2021માં 5,08,000 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા, જ્યારે ચીનમાં આ સંખ્યા બમણી છે.રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર માટે ટોચના 10 દેશોમાં ભારત-UAE, ભારત-અમેરિકા, ભારત-સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ-ભારત છે. મતલબ કે આ દેશોના નાગરિકો નોકરી, અભ્યાસ અને અન્ય કારણોસર એકબીજાના દેશમાં સૌથી વધુ રહે છે.


