Updated: Nov 1st, 2023
પીળી ધાતુમાં જ રોકાણને શ્રેષ્ઠ માનતા ભારતીયો
ઉંચા ભાવને કારણે જૂના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ વધ્યું ઃ સ્ક્રેપ સપ્લાય ૩૭% વધીને ૯૧.૬ ટન રહ્યુ
અમદાવાદ: ભારતમાં પીળી ધાતુ રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. બેંક એફડી, ઈક્વિટી કે રોકડને પણ લોકો જોખમી માનશે પરંતુ સોનામાં રોકાણને સુરક્ષિત માને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટના આંકડા દર્શાવેે છે કે ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં ગોલ્ડ બાર અને કોઈનનું રોકાણ ૫૫ ટન સુધી પહોંચી ગયું છે, જે ૨૦૧૫ના ત્રીજા ક્વાર્ટર બાદનું સૌથી વધુ છે. જોકે તહેવારોની આ મોસમ દરમિયાન સોનું તેની ચમક ગુમાવી શકે છે કારણ કે ઉંચી કિંમત માંગને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે સોનાના ભાવમાં વધારો થવાથી વોલ્યુમની દ્રષ્ટિએ ખરીદી ત્રણ વર્ષમાં સૌથી નીચી રહી શકે છે.
ભારતમાં સોનાની માંગ સામાન્ય રીતે વર્ષના અંતિમ તબક્કામાં મજબૂત હોય છે. પરંપરાગત લગ્નની મોસમ, અક્ષય તૃતિયા અને દિવાળી-દશેરા જેવા મોટા તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાના બાર અને સિક્કાઓની માંગ વાર્ષિક ધોરણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં ૨૦ ટકા વધી હતી અને માંગ પાંચ વર્ષની ત્રિમાસિક સરેરાશ ૪૦ ટન કરતાં ૩૮ ટકા વધુ હતી.
બીજા કવાર્ટરના રોકાણ ભાવથી આવેલ ઘટાડાને રોકાણકારોએ ઝીલ્યો હતો અને ખરીદી કરી હતી. જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે વૈશ્વિક સોનાની માંગ પાંચ વર્ષની સરેરાશ કરતાં ૮ ટકા વધુ હતી, પરંતુ વાર્ષિક ધોરણે ૬ ટકા નબળી રહીને ૧૧૪૭ ટન રહી છે તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા જણાવે છે.
પીળી ધાતુના વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા ભારતમાં સોનાની માંગ આ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ૧૦ ટકા વધીને ૨૧૦.૨ ટન થઈ હતી. પ્રથમ નવ મહિનાની ૪૮૧.૨ ટનની માંગ સાથે સંપૂર્ણ વર્ષ ૨૦૨૩માં સોનાની માંગ ૭૦૦-૭૫૦ ટનની રેન્જમાં રહેશે, જે ૨૦૨૨માં ૭૭૪ ટનની માંગ કરતાં નજીવી ઓછી રહેવાનો અંદાજ છે.
સોનાના ઊંચા ભાવને કારણે કેટલીક વ્યક્તિઓએ તેમના જૂના આભૂષણો અને સિક્કાઓનું વેચાણ કર્યું છે, પરિણામે વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ક્રેપ સપ્લાયમાં ૩૭ ટકાનો વધારો થઈને ૯૧.૬ ટન રહ્યો છે. જો ભાવ તેમના વર્તમાન સ્તરે રહેશે તો ડિસેમ્બર ક્વાર્ટરમાં આ વલણ ચાલુ રહેવાની ધારણા છે.