– ચીન તથા રશિયા માટેના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરાયો :ફીચ
– ભારતની લેબર પ્રોડકટિવિટીમાં પણ વધારો
Updated: Nov 7th, 2023
મુંબઈ : ફીચ રેટિંગ્સે ભારતના મધ્યમગાળાના આર્થિક વિકાસ દરને ૫.૫૦ ટકા પરથી ૭૦ બેઝિસ પોઈન્ટ વધારી ૬.૨૦ ટકા કર્યો છે. જો કે ચીનના પ્રભાવને કારણે ૧૦ ઊભરતી બજારો માટેના અંદાજમાં ઘટાડો આવી પડયો છે.
ભારત તથા મેક્સિકો માટેના આર્થિક વિકાસ દરના અંદાજમાં સુધારો કરાયો છે. ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી ૬.૨૦ ટકા જ્યારે મેક્સિકોનો બે ટકા કરાયો છે, જે અગાઉ ૧.૪૦ ટકા મુકાયો હતો.
૨૦૨૦માં નોંધપાત્ર ઘટાડા બાદ અનેક દેશોમાં લેબર પાર્ટિસિપેશન દરમાં વધારો થતાં વિકાસના અંદાજમાં સુધારા આવી પડયા છે. જો કે ચીન માટેનો અંદાજ ૫.૩૦ ટકા પરથી ઘટાડી ૪.૬૦ ટકા કરાયો છે.
રશિયાનો અંદાજ ૧.૬૦ ટકા પરથી ઘટાડી ૦.૮૦ ટકા કરાયો છે. દક્ષિણ કોરિઆનો ૨.૩૦ ટકા પરથી ૨.૧૦ ટકા કરાયો છે જ્યારે દક્ષિણ આફ્રિકા માટેનો દર ૧.૨૦ ટકાથી ઘટાડી ૧ ટકા કરાયો હોવાનું ફીચના એક રિપોર્ટમાં જણાવાયું છે.
રોજગારના દરમાં વધારા તથા કામ કરવાની વય સાથેની લોકસંખ્યામાં સાધારણ વૃદ્ધિ જેવા પોઝિટિવ પરિબળોને પરિણામે ભારતના વિકાસ દરના અંદાજમાં સુધારો કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતની લેબર પ્રોડકટિવિટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.