આજે વિશ્વભરમાં બોલિવૂડની બોલબાલા છે. હવે બોલિવૂડની ઘણી ફિલ્મો ઈન્ટરનેશનલ એવોર્ડ્સ જીતે તો છે, પરંતુ સાથે સાથે અન્ય દેશોમાં પણ બોલિવૂડ ફિલ્મ્સના ચાહકોની બોલબાલા વધી રહી છે. આજે બોલિવૂડમાં તમામ પ્રકારની ફિલ્મો બને છે અને તેે આવકારવામાં આવે છે. બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો બની છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. ભારતને આઝાદી મળી તે પહેલાં પણ બોલિવૂડમાં ભગવાન શ્રીકૃષ્ણની ઘણી ફિલ્મો બનાવવામાં આવી હતી. આ ફિલ્મોએ તે સમયે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આઝાદી બાદ પણ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અને અન્ય દેવી-દેવતાઓ પર પણ ઘણી ફિલ્મો બની છે અને બની રહી છે.
ભારત દેશ આઝાદ થયો તે પહેલાં પણ વર્ષ 1918માં ભગવાન શ્રીકૃષ્ણ પર ફિલ્મ બનાવવામાં આવી હતી. જેનું નામ `શ્રીકૃષ્ણ જન્મ’ હતું. આ ફિલ્મના ડાયરેક્ટર દાદાસાહેબ ફાળકે હતા. નોંધનીય છે કે, દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા તરીકે બિરદાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની આ ફિલ્મ મૂંગી (silent) હતી, તેમ છતાં તે દર્શકોમાં ખાસ્સી લોકપ્રિય બની હતી. `શ્રીકૃષ્ણ જન્મ’ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા દાદાસાહેબ ફાળકેની દીકરી મંદાકિનીએ ભજવી હતી. આ દરમિયાન વર્ષ 1923માં મહાભારત પર ફિલ્મ બનાવવામાં આવી હતી, જેમાં મહાભારતના યુદ્ધને આવરી લેવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નામ `કૃષ્ણ અર્જુન યુદ્ધ’ હતું. મૂળ આ ફિલ્મ મહાભારતના કૃષ્ણ અને અર્જુન પર આધારિત હતી. આ ફિલ્મને સ્ટાર ફિલ્મ્સ લિ. દ્વારા બનાવવામાં આવી હતી.
વર્ષ 1933-34માં જયંત દેસાઇની ફિલ્મ `કૃષ્ણ સુદામા’ આવી હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં કેકી અદજાનિયા, રામ આપ્ટે અને એમ. ભગવાનદાસ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ વધાવવામાં આવી હતી.
આઝાદી બાદ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખીલી ઊઠી હતી. આઝાદી બાદ પણ ભગવાન શ્રીકૃષ્ણ પર અધધ ફિલ્મો બની તેમજ કેટલીક ફિલ્મોમાં ભગવાન શ્રીકૃષ્ણ પરનાં ગીતોને પણ સમાવી લેવામાં આવ્યાં હતાં. આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભગવાન શ્રીકૃષ્ણ પરનાં ગીતોને ખૂબ જ સારી રીતે વર્ણવી લેવામાં આવે છે.
આઝાદી બાદ ભગવાન કૃષ્ણ પર જે ફિલ્મો બની, તેમાં વર્ષ 1952માં `શ્રીકૃષ્ણ જન્મ’, વર્ષ 1956માં `શ્રીકૃષ્ણ ભક્તિ’, વર્ષ 1960માં `મહાભારત’ અને વર્ષ 1963માં `શ્રીકૃષ્ણ અર્જુન યુદ્ધમુ (તેલુગુ)’ ફિલ્મ રિલીઝ થઇ હતી. ત્યારબાદ વર્ષ 1968માં `કૃષ્ણ ભક્ત સુદામા’ નામની ફિલ્મ પણ રિલીઝ થઇ હતી. આ દરમિયાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ભગાવન શ્રીકૃષ્ણને લઇને અનેક ફિલ્મ બની હતી. જેમાં વર્ષ 1960માં `બલરામ શ્રીકૃષ્ણ, વર્ષ 1970માં `શ્રીકૃષ્ણ શરણમ્ મમ’, વર્ષ 1980માં `ભગવાન શ્રીકૃષ્ણ’ અને વર્ષ 1990માં `ઓખા હરણ’ રિલીઝ થઇ હતી.
આ તમામ ફિલ્મોએ દર્શકોનાં દિલ જીત્યાં હતાં. આ દરમિયાન કેટલીક ટેલિવિઝન શ્રેણીઓ પણ લોકપ્રિય થઇ હતી, જેમાં `મહાભારત’ અને `શ્રીક્રિષ્ના’નો સમાવેશ થાય છે. આ બંને સીરિયલો દૂરદર્શન પર જોવા મળતી હતી.
બોલિવૂડમાં છેલ્લાં 25 વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણ પર કેટલીક ફિલ્મો બની હતી, જેણે બોક્સ ઓફિસ ગજાવી હતી. અલબત્ત, કેટલીક ફિલ્મોમાં ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતો ફિલ્માવવામાં આવ્યાં હતાં. વર્ષ 2012માં ફિલ્મ `ઓહ માય ગોડ’ આવી હતી, તે ફિલ્મ પૌરાણિક કથા પર આધારિત ન હતી, પરંતુ સાંપ્રત ઘટનાઓ પર આધારિત હતી. આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા અક્ષય કુમાર ભજવે છે. આ જ વર્ષમાં એક એનિમેટેડ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેનું નામ `કૃષ્ણ ઔર કંસ’ હતું. તે બાળકોમાં ખાસ્સી લોકપ્રિય બની હતી. આ દરમિયાન વર્ષ 2022માં ફિલ્મ `કાર્તિકેય 2′ રિલીઝ થઇ હતી, જે મૂળ ભગવાન શ્રીકૃષ્ણ પર આધારિત તો ન હતી, પરંતુ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી વાતો આધારિત હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણનાં આભૂષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્ટૂન ફિલ્મ બનાવતા ફિલ્મ મેકર્સે પણ કાર્ટૂન ફિલ્મોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનો સમાવેશ કર્યો છે. અલબત્ત કેટલાક ફિલ્મ મેકર્સે કાર્ટૂન સીરિઝ પણ બનાવી હતી. આ ફિલ્મો અને સીરિઝમાં `લિટલ ક્રિષ્ના’ અને `ક્રિષ્ના બલરામ’નો સમાવેશ થાય છે. આ સિવાય પણ ઘણી ફિલ્મો અને સીરિઝ બાળકોમાં અને મોટેરાંમાં લોકપ્રિયતા પામી હતી હર્ષલબ્રહ્મભટ્ટ
શ્રીજી આવો તે રંગ
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો,
બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ.
હું તો વ્રજમાં ગઈ ને મારું મન મોહ્યું,
મારી જાગી પુરબની પ્રીત વિઠ્ઠલનાથ.
મારે રહેવું અહીંયાં ને મેળ તારો થયો,
હવે કેમ કરી દહાડા જાય વિઠ્ઠલનાથ.
રંગ છાટ્યો તો છાંટી હવે પૂરો કરો,
નિત્ય તમારાં દર્શન થાય વિઠ્ઠલનાથ.
તારું મુખડું જોઈને મારું મન મોહ્યું,
મારા તૂટે છે દિલડાના તાર વિઠ્ઠલનાથ.
દાસ વૈષ્ણવનો આશરો તમારો,
એને સર્વે સમર્પણ કીધા વિઠ્ઠલનાથ.
પંચજન્ય શંખ
આ શંખ પણ ભગવાનનું મહત્ત્વનું પ્રતીક કહેવાય છે. મહાભારતમાં તમામ યોદ્ધા પાસે શંખ હતો. જેમાં કેટલાક યોદ્ધા પાસે વિશેષ અને ચમત્કારિક શંખ હતા. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે જે શંખ હતો તે પંચજન્ય શંખ કહેવાતો હતો. ભગવાન જ્યારે આ શંખ વગાડતા હતા ત્યારે તેનો અવાજ ઘણે દૂર સુધી જતો હતો.