ઇન્ડિગો એરલાઇન્સ સાથે જોડાયેલુ સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યુ છે. લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઉડ્ડયન નિષ્ણાત સંજય લાઝરે દાવો કર્યો છે કે 829 યાત્રીઓના સમૂહ સાથે વળતરની માગણી માટે કોર્ટ જવાની તૈયારીમાં છે.
વળતર માટે કોર્ટનો ખખડાવશે દરવાજો
ઇન્ડિગો એરલાઇન્સ હાલમાં દેશમાં મુખ્ય ચર્ચાનો વિષય બની ગઈ છે. મોટાભાગના લોકો ઇન્ડિગોને લઈને ઘણી ચર્ચા કરી રહ્યા છે. ઇન્ડિગો એરલાઇન્સ સાથે જોડાયેલા તાજેતરના સંકટ બાદ ભલે હવે કંપનીની સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોય, પરંતુ તેનાથી પ્રભાવિત મુસાફરોની મુશ્કેલીઓ હજુ સુધી સમાપ્ત થઈ નથી. હવે અનેક લોકો એકસાથે એરલાઇન્સ સામે ‘ક્લાસ એક્શન’ એટલે કે સામૂહિક કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દાવો વિમાનન નિષ્ણાત સંજય લાઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક પોસ્ટમાં કર્યો છે.
ઇન્ડિગો સંકટથી પ્રભાવિત ગ્રુપ તૈયાર
લાઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે મોટી સંખ્યામાં મુસાફરો હજુ પણ મદદ માટે તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે આ માહિતી તેઓ જનહિતમાં શેર કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ઇન્ડિગો સંકટથી પ્રભાવિત 829 મુસાફરોનું એક જૂથ તૈયાર થઈ ગયું છે, જે હવે વળતરની માંગ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવવાની તૈયારીમાં છે.
સંજય લાઝરની લોકોને ગ્રુપમાં જોડાવવાની અપીલ
પોસ્ટમાં વિમાનન નિષ્ણાત સંજય લાઝરે ઇન્ડિગો સંકટ દરમિયાન પ્રભાવિત થયેલા લોકોને એક ગ્રુપમાં જોડાવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જેમની ફ્લાઇટ રદ થઈ હતી, જે એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અથવા કોઈ પણ રીતે આ અવ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા, તેઓ આ જૂથમાં જોડાઈ શકે છે. લાઝરે એ બાબત પર ભાર મૂક્યો કે ગ્રુપમાં જોડાવા માટે મુસાફરોએ એક ઇમેઇલ મોકલવો પડશે અથવા આપેલ ગૂગલ ફોર્મ ભરવું પડશે, જેથી તેઓ સામૂહિક રીતે કાનૂની કાર્યવાહી કરી શકે. સંજય લાઝરે આ પણ કહ્યું કે જો કોઈને આ પ્રક્રિયા સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો તેઓ સોશિયલ મીડિયા પોસ્ટની નીચે જવાબ આપી પોતાની શંકા પુછી શકે છે.


