દેશભરમાં હવાઇ યાત્રા પર સંકટ યથાવત છે. IndiGo પાસે ક્રુ મેમ્બર એટલે કે પાયલટ, હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટાફની અછત સર્જાઇ છે. છેલ્લા 4 દિવસથી દેશભરમાંથી 2000થી વધુ ફ્લાઇટ રદ્દ થઇ છે. પાંચમા દિવસે એટલે શનિવારે મુંબઇ એરપોર્ટથી ઉડનાર IndiGoની તમામ ફ્લાઇટ રદ્દ થઇ ગઇ છે અને બીજા રૂટ પર ભાડામાં 10 ગણાનો તોતીંગ વધારો થયો છે. આનાથી સીધી અસર મુસાફરો પર પડી છે.
Indigo એરલાઇનનું સંકટ પાંચમા દિવસે પણ યથાવત રહ્યું
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર Indigo એરલાઇનનું સંકટ પાંચમા દિવસે પણ યથાવત રહ્યું. શનિવારે IndiGoની તમામ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોમાં ભારે હાહાકાર મચ્યો. અનેક મુસાફરોને અચાનક ફ્લાઇટ કેન્સલ થવાને કારણે કલાકો સુધી એરપોર્ટ પર જ અટકવું પડ્યું. અન્ય એરલાઇનની ફ્લાઇટ્સમાં બેઠકો મર્યાદિત હોવાથી ભાડું સામાન્ય ભાડાની તુલનામાં 8થી 10 ગણું વધી ગયું.
ભાડું સામાન્ય ભાડાની તુલનામાં 8થી 10 ગણું વધી ગયું
આ સંકટનું મુખ્ય કારણ નવી DGCA નિયમાવલી છે, જેમાં પાઇલટ અને ક્રૂ સભ્યો માટે ફરજીયાત આરામ સમયનો કડક અમલ કરવામાં આવ્યો છે. IndiGo પાસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોતાં અનેક રૂટ પર ફ્લાઇટ ચલાવવી મુશ્કેલ થઈ ગઈ. પરિણામે હજારો મુસાફરોની યાત્રા યોજના બગડી ગઈ. દિલ્હી-મુંબઇ, દિલ્હી-બેંગલુરુ અને મુંબઇ-ગોવા જેવા વ્યસ્ત રૂટ પર ભાડું 60,000 થી 70,000 રૂપિયા સુધી પહોંચી ગયું.
મુંબઇ એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇન જોવા મળી
મુંબઇ એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇન જોવા મળી. ઘણા લોકોને ફ્લાઇટ રદ થવાની માહિતી છેલ્લી ક્ષણે મળતાં ગભરાટ સર્જાયો. કેટલાક મુસાફરો કહેતા હતા કે બહુ મોંઘું ભાડું ચૂકવ્યા છતાં પણ ટિકિટ મળતી નહોતી.
IndiGoએ પરિસ્થિતિ માટે ક્ષમાયાચના કરી
IndiGoએ પરિસ્થિતિ માટે ક્ષમાયાચના કરી છે અને અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા રીબુકિંગની ઓફર કરી છે. DGCAએ તાત્કાલિક અસરથી થોડા નિયમોમાં નરમાઇ દાખવી છે જેથી ક્રૂ ઉપલબ્ધતા સુધરી શકે. કંપનીએ જણાવ્યું છે કે કામગીરી સંપૂર્ણપણે સામાન્ય થવા 2026ના ફેબ્રુઆરી સુધીનો સમય લાગી શકે છે.
કુલ મળીને, હવાઈ મુસાફરી કરવા ઇચ્છુક લોકોને આ સંકટથી મોટો ઝટકો લાગ્યો છે. રદ ફ્લાઇટ્સ, અનિશ્ચિતતા, અને આકાશને અડતા ભાડાથી મુસાફરો પર ભાર વધ્યો છે.
આ પણ વાંચો: Indigo Flight Delay: દુલ્હા-દુલ્હન વગર રિસેપ્શન યોજાયું, નવપરિણીત યુગલ ભુવનેશ્વરથી ઓનલાઈન જોડાયું


