- રી-સેલમાં સૌથી મોંઘી ટિકિટ 1.86 કરોડ સુધી પહોંચી
- VIP ટિકિટનો ભાવ 400થી લઈને પ્લેટફોર્મ સાથે 50 હજાર ડોલર
- સત્તાવાર વેબસાઇટ ઉપરથી ટિકિટ ખરીદીને રી-સેલ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો
આઇસીસી ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે અને આ મેગા ઇવેન્ટમાં સૌથી હોટેસ્ટ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો છે. આઇસીસીની કોઈ પણ ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો આયોજકોનો કરોડો રૂપિયાનો નફો પણ કરી આપે છે. 2023માં ભારતની યજમાનીમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચોની ટિકિટનું ધૂમ કાળાબજાર થયું હતું અને બેથી ત્રણ હજાર રૂપિયાની ટિકિટ 70થી 75 હજાર સુધી વેચાઈ હતી. નવમી જૂને ભારત અને પાકિસ્તાનનો મુકાબલો રમાય તે પહેલાં બ્લેક માર્કેટમાં ટિકિટના ભાવ વધી શકે છે.
ટૂર્નામેન્ટને હજુ કેટલોક સમય બાકી રહ્યો હોવા છતાં અત્યારથી ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટોનું કેટલાક સોશિયલ પ્લેટફોર્મ સ્ટબહબ તથા સીટગીક ઉપર રિ-સેલ ઉપર મૂકવામાં આવી છે. પ્લેટફોર્મ સીટગીક સાઇટ ઉપર સૌથી મોંઘી ટિકિટ એક લાખ 75 હજાર ડોલર એટલે કે લગભગ 1.4 કરોડ રૂપિયાની છે. આ સાઇટના ચાર્જ તથા ટેક્સ સહિત વિવિધ ચાર્જનો ઉમેરો કરીએ તો એક ટિકિટની કિંમતનો આંકડો 1.86 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે.
NBA અને સુપર બાઉલ કરતાં પણ મોંઘી ટિકિટ
યુએસએ ટુડેના અનુસાર સેકેન્ડ્રી માર્કેટમાં સુપર બાઉલ 58ની ટિકિટોની કિંમત મેક્સિમમ નવ હજાર ડોલર છે અને એનબીએ ફાઇનલ દરમિયાન બાસ્કેટબોલ કોર્ટની એકદમ નજીકની ટિકિટોનો ભાવ વધારેમાં વધારે 24 હજાર ડોલર હોય છે. નોંધનીય છે કે ભારત અને કેનેડા વચ્ચેની મેચની ટિકિટો પણ હાઉસફુલ થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સત્તાવાર ટિકિટની પ્રાઇઝ 400 ડોલર છે, રી-સેલ વેબસાઈટ પર ધૂમ કાળાબજાર
ઇન્ડો-પાક.ના મુકાબલાની ટિકિટોની પ્રારંભિક કિંમતો સ્તબ્ધ કરે તેવી છે. સત્તાવાર વેબસાઇટ ઉપર ભારત અને પાકિસ્તાનની વીઆઇપી ટિકિટની કિંમત 400 ડોલર (લગભગ 33 હજાર રૂપિયા) છે જેમાં ટેક્સ સામેલ નથી. સાદી બેઠકોની પ્રાઇઝ 40 હજાર ડોલર (લગભગ 33 લાખ રૂપિયા) અને પ્લેટફોર્મ સાથેની ટિકિટ 50 હજાર ડોલર (41 લાખ રૂપિયા)ની નજીક છે. ભારત અને પાકિસ્તાનની મેચની ટેક્સ સાથેની ટિકિટ લગભગ 1,259 ડોલર (લગભગ 1.04 લાખ રૂપિયા) અને સૌથી ઓછી કિંમત 1,166 ડોલર (લગભગ 96 હજાર રૂપિયા)ની આસપાસ છે જે સત્તાવાર ટિકિટો કરતાં ઘણી વધારે છે.


