મંગળવારે મતદાનની રજા હોવાથી બીજા દિવસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ધમધમશે
રાજકોટમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી અંતર્ગત ઔદ્યોગિક એકમોના શ્રમિક મતદાતાઓને મતદાન માટે સવેતન રજા આપવા ચૂંટણી આયોગ દ્વારા ઉદ્યોગકારોને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલે શ્રમિકોને સવેતન રજા આપવામાં આવશે તેમજ બીજા દિવસે બુધવારે ઇન્ડસ્ટ્રીયલ એરીયા સ્વૈચ્છીક રીતે શરૂ રહેશે. આ માટે પીજીવીસીએલ દ્વારા અવિરત વીજપુરવઠો આપવા માટેની જાહેરાત કરી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા મુજબ રાજકોટની વિવિધ જીઆઇડીસીઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં મંગળવારે શ્રમિકોને મતદાન કરવા માટે રજા આપી છે. ત્યારે બીજા દિવસે બુધવારની જાહેર રજા આવતી હોય આ દિવસે સ્વૈચ્છીક રીતે ઉદ્યોગો શરૂ રાખવા ચેમ્બરે સૂચન કર્યુ છે. બુધવારે લાઇટનો કાપ હોવાથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રજાઓ આપવામાં આવે છે. પરંતુ મંગળવારે રજા હોવાથી બુધવારે ઔદ્યોગિક એકમો શરૂ રાખવા કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા સ્વૈચ્છીક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત બુધવારે લાઇટ કાપ મોકુફ રાખી વીજ પુરવઠો આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
ઉપરોકત રજુઆતને ધ્યાનમાં લેતા ચૂંટણીના બીજા દિવસે બુધવારના રોજ સ્ટેગરીંગ ડે હોવા છતાં તે રદ કરી તે દિવસે અવિરત વીજપુરવઠો આપવા માટે પીજીવીસીએલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બુધવારે વીજપુરવઠો શરૂ રહેતા રાજકોટ જિલ્લાની જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક એકમો ધમધમશે.
યાર્ડમાં આવતીકાલે રજા : હરરાજી બંધ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચૂંટણી અંતર્ગત આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. મુખ્ય તેમજ સબયાર્ડમાં તમામ પ્રકારની કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અને હરરાજી પણ બંધ રહેશે. યાર્ડમાં કામ કરતા હજારો શ્રમિકો પોતાની લોકશાહીની ફરજ અદા કરી શકે તે માટે સત્તાધીશો દ્વારા નિર્ણય લેવાયો છે અને શ્રમિકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.


