- ભારત પાસે હજુ પણ સિરીઝ જીતવાની તક
- કેપ્ટન હરમનપ્રીતનું ફોર્મ ચિંતાનું કારણ
- ટેસ્ટ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાનો વળતો પ્રહાર
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલાઓ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ રમાવા જઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય મહિલા ટીમ પ્રથમ બેટિંગ કરી મોટું લક્ષ્ય સેટ કરવા ઉતરશે. આવા સમયે છેલ્લી 10 ઇનિંગથી શાંત રહેલ કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાનો બલ્લો ચલાવવો પડશે. બંને ટીમો આ મેચ જીતીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમોએ આ શ્રેણીમાં અત્યાર સુધી એક-એક મેચ જીતી છે. જે ટીમ ત્રીજી મેચ જીતશે તે ટ્રોફી જીતશે.
ભારતીય મહિલા ટીમ નિશ્ચિત રીતે ઓસ્ટ્રેલિયા સામે બીજી T20માં હારી ગઈ હતી, પરંતુ તેની પાસે હજુ પણ સિરીઝ જીતવાની તક છે. ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર છે અને જો ભારતીય ટીમે અહીં જીત મેળવવી હોય તો સુકાની હરમનપ્રીતે લીડિંગ કરતી વખતે તેના બેટથી ચમત્કાર કરવો પડશે. તેનું ફોર્મ ચિંતાનું કારણ છે. તમામ ફોર્મેટમાં છેલ્લી 10 ઇનિંગ્સમાં તે સાતમાં ડબલ ફિગર સુધી પહોંચી શકી નથી.
ટેસ્ટ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાનો વળતો પ્રહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ T20 શ્રેણી રમાઈ છે, જેમાં ભારતે 2015-16માં ઓસ્ટ્રેલિયામાં એક શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ ચાર શ્રેણી કબજે કરી લીધી છે. ભારતે એકમાત્ર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સારી શરૂઆત કરી હતી, પરંતુ વનડેમાં એલિસા હીલીની ટીમે ભારતીય ટીમનો 0-3થી સફાયો કરી દીધો હતો. પ્રથમ ટી-20માં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે મોટી જીત હાંસલ કરી હતી, પરંતુ બીજી ટી-20માં પોતાની 300મી મેચ રમનાર એલિસ પેરી અને કિમ ગાર્થે સિરીઝમાં 1-1થી બરોબરી કરી હતી.
તો બનશે આ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે ટી20માં ભારતના રેકોર્ડની વાત કરીએ તો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 5 દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમ માત્ર એક જ વખત જીતી શકી છે. ભારત વર્ષ 2015-16 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T-20 શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. ભારત બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ફોર્મેટમાં શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જો ભારત મંગળવારે રમાનારી ત્રીજી અને નિર્ણાયક T20 જીતી લે છે, તો તે ઘરઆંગણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે આ ફોર્મેટમાં સિરીઝ જીતવામાં સફળ રહેશે.
દીપ્તિ શર્માએ કર્યું શાનદાર પરફોર્મન્સ
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર દીપ્તિ શર્માએ બીજી ટી20માં ઓલરાઉન્ડ રમતનું પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ 27 બોલમાં 31 રન બનાવીને ભારતને પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયાની બે વિકેટ લઈને મેચને રસપ્રદ બનાવી હતી. હરમનપ્રીતના ફોર્મ પર તેણે રવિવારની મેચ બાદ કહ્યું હતું કે ખેલાડીનો હંમેશા સારો દિવસ નથી આવી શકતો અને અચાનક કોઈનો પણ સારો દિવસ આવી શકે છે. તેણે કહ્યું કે અમે મોટા શોટ લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા પરંતુ બોલને તેની યોગ્યતા અનુસાર રમવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેણે કહ્યું કે બોલ વિકેટ પર ફરતો હતો અને ધીમો પણ આવી રહ્યો હતો. અમે લગભગ 15 રનથી પાછળ હતા.
ટોપ ઓર્ડરે જવાબદારી લેવી પડશે
ડીવાય પાટિલની પીચ બેટ્સમેનો માટે પડકારરૂપ રહેશે. આવી સ્થિતિમાં, રન બનાવવા અને સારી શરૂઆત કરવાની જવાબદારી ઉચ્ચ ક્રમના બેટ્સમેનોની રહેશે. ખાસ કરીને સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ અને હરમનપ્રીત કૌરે બેટની જવાબદારી નિભાવવી પડશે. આમાંથી એકે ચોક્કસપણે મોટી ઇનિંગ્સ રમવી પડશે.
પેરી ફોર્મમાં આવી
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર એ છે કે ખતરનાક એલિસ પેરી ફરીથી ફોર્મમાં આવી ગઈ છે. તેણે બીજી ટી20માં ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. આ ટીમનું મજબૂત પાસું ઊંડાણથી બેટિંગ છે. નીચલા ક્રમના બેટ્સમેનોમાં પણ જ્યારે તેઓને પ્રારંભિક આંચકો લાગે છે ત્યારે તેઓ ઇનિંગ્સને સંભાળવાની શક્તિ ધરાવે છે. ફોબી લિચફિલ્ડ, બેથ મૂની, મેકગ્રા, એલિસા હેઇલી, જેણે ભારત સામે વનડેમાં સદી ફટકારી છે, તે તમામ મોટી ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે.


